Headlines

ખંભાળિયામાં ચોરીના ગુના પ્રકરણનો નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો


જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬

      ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં રાજકોટના કુવાડવા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતો અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા નામના 28 વર્ષના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતું.

        છેલ્લા આશરે પાંચ માસથી નાસતા ફરતા આરોપી સંદર્ભે અહીંના ડીવાયએસપી મીત રુદલાલની સૂચના મુજબ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સર્વેલાન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તેમજ સામતભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

       આ પ્રકરણમાં આરોપી દ્વારા ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલો રૂપિયા 50,000 ની કિંમતનો છકડો રીક્ષા પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની વધુ તપાસમાં ઉપરોક્ત શખ્સ સામે રાજકોટ શહેરમાં ત્રણ તથા મોરબીમાં પણ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે.

         આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણા, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, સામતભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, માંડણભાઈ ગઢવી, ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા અરજણભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *