Headlines

જુના મનદુઃખમાં ધમકી અને તોડફોડ કરનાર પાંચ આરોપીઓને જેલ સજા


રાણાવાવ કોર્ટે તમામ આરોપીઓને બે વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ
રાણાવાવમાં જૂની અદાવત રાખીને તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અદાલતે પાંચ આરોપીઓને કડક સજા સંભળાવી છે. આ કેસની વિગત મુજબ, મામલતદાર ક્વાર્ટર પાસે રહેતા ફરિયાદી જાગૃતિબેન સંજયભાઈ ઓડેદરા અને તેમના પતિ સંજય જીવાભાઈ ઓડેદરા દિવાળીના તહેવાર દરમિયાન પોતાના ઘર પાસે ફટાકડા ફોડતા હતા. તે સમયે પાંચ વર્ષ જૂના ઝઘડાનું મનદુઃખ રાખીને આરોપી રમેશ લખમણભાઈ ઓડેદરા, ભાવેશ નાથાભાઈ ઓડેદરા અને સંજય મોઢવાડિયા ત્યાં ધસી આવ્યા હતા. તેઓએ ફટાકડા ફોડવાનું બંધ કરાવી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી દંપતી જીવ બચાવવા ઘરમાં ભરાઈ ગયું ત્યારે આરોપીઓએ દરવાજા પર લાકડાના ધોકા ફટકાર્યા હતા અને બહાર પડેલી મોટરસાયકલમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ ઘટનામાં અભય કેશવાલા અને વિમલ રાજુભાઈ ખીસ્તરીયા નામના અન્ય આરોપીઓ પણ જોડાયા હતા અને ગાળો ભાંડી હતી.
આ બનાવ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ રાણાવાવની કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર પક્ષ તરફથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે.એલ.ઓડેદરાએ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધારદાર દલીલો રજૂ કરી હતી. ફરિયાદી પક્ષના મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એન.એલ.શર્માએ તમામ પાંચેય આરોપીઓને બે વર્ષની સખત કેદની સજા તેમજ પ્રત્યેકને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *