Headlines

ખંભાળિયામાં રઘુવંશી વિધાર્થીઓ માટે “માં સરસ્વતી સન્માન સમારોહ” યોજાયો


– જ્ઞાતિના 318 વિદ્યાર્થીઓને કરાયા પુરસ્કૃત –

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬

     ખંભાળિયામાં શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં સરસ્વતી સન્માન સમારોહ” સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

      ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ યોજવામાં આવેલા વિદ્યાર્થી સન્માનના આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટર, એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર જ્ઞાતિના ગૌરવવંતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12 ના આશરે 318 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો આપી તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

      આ ઉપરાંત પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક મેળવનાર ધોરણ 1 થી 12 ના બાળકોને જ્ઞાતિના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના વર્તમાન પ્રમુખ દિલીપભાઈ વિઠલાણી દ્વારા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે અહીંના જાણીતા સી.એ. અને યુવા તેમજ જોશીલા કાર્યકર તથા ટ્રસ્ટના ઉપપ્રમુખ નિશિતભાઈ પાબારીને પ્રમુખ તરીકે નિયુક્તિની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિતો દ્વારા હર્ષભેર આવકારવામાં આવી હતી.

       જ્ઞાતિના વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓના સંસ્કાર અને શિક્ષકોના માર્ગદર્શનને બિરદાવતો આ સમારોહ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. આ તબક્કે રઘુવંશી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને નામી અને અનામી દાતાઓ દ્વારા જે વિધાર્થીઓને પૈસાના અભાવના કારણે અભ્યાસ અધવચ્ચે ન મુકવો પડે તે માટે ટ્રસ્ટને રોકડ ડોનેશન પણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકોના સર્વાંગી વિકાસ માટે આ ફંડનો ઉપયોગ સંસ્થા દ્વારા કરી શકાય.

       ટ્રસ્ટ દ્વારા આ તબક્કે આગામી સમયમાં જીપીએસસી, યુપીએસસી તેમજ કોઈ પણ સરકારી પરીક્ષામાં રઘુવંશી બાળકો તૈયારી કરી શકે તેના માટેના ક્લાસિસ પણ ટૂંક સમયમાં શરૂ કરવા માટે પણ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટની સમગ્ર ટીમ તેમજ તમામ દાતાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો અને એજ્યુકેશન કમિટીના તમામ મેમ્બરો અને વિવિધ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

     શિક્ષણ અને સંસ્કારના આ દીપને વધુ પ્રજ્વલિત કરીએ અને નવી પેઢીને સફળતાના શિખરો સર કરવા પ્રેરણા આપવામાં આવે તેવો જ્ઞાતિજનોમાં સુર સાંભળવા મળ્યો હતો. આ સમગ્ર આયોજન જ્ઞાતિજનોમાં આવકારદાયક બની રહ્યું હતું.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *