Headlines

દ્વારકામાં જોવા મળી ઈમાનદારીની અનોખી મિસાલ: ખોવાયેલો મોબાઈલ સાચવી રાખી પરિવારને પરત કર્યો


જામ ખંભાળિયા, તા. ૧૫-૦૬-૨૦૨૬

        પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હજુ પણ માનવતા અને પરસ્પર વિશ્વાસના મૂલ્યો જીવંત છે તેવો એક પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે. શહેરમાં એક પરિવારનો ખોવાયેલો કિંમતી મોબાઈલ એક સ્થાનિક નાગરિકની ઈમાનદારીથી પરત મળ્યો હતો.

      મળતી માહિતી મુજબ, દ્વારકામાં રહેતા રાજુભાઈ સોનૈયાનો પરિવાર રાત્રિના સમયે ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન માટે ગયો હતો. આ દરમિયાન પરિવારનો કિંમતી મોબાઈલ અજાણતા મંદિર પરિસરમાં રહી ગયો હતો. ઘરે પહોંચ્યા બાદ મોબાઈલ ગુમ થયાનું ધ્યાન આવતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ મોબાઈલ મળી શક્યો ન હતો.

          બીજા દિવસે સવારે પરિવારજનોએ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા સામે તરફથી જવાબ મળ્યો હતો. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મોબાઈલ દ્વારકાના રહેવાસી પરેશભાઈ મકવાણાને મળ્યો હતો. પરેશભાઈએ મોબાઈલ સુરક્ષિત રીતે સાચવી રાખ્યો હતો અને પરિવારજનોની ઓળખ થયા બાદ તેને પરત કરવાનો નિર્ણય લીધો હતો.

          પરેશભાઈ મકવાણા અને તેમના પરિવાર દ્વારા ઈમાનદારી અને માનવતાનો પરિચય આપતા પુનમબેન સોનૈયાને મોબાઈલ સોંપવામાં આવ્યો હતો. ખોવાયેલી વસ્તુ પરત મળતા સોનૈયા પરિવારે પરેશભાઈના પરિવારનો આભાર વ્યક્ત કરી તેમની સરાહના કરી હતી.

         આ બનાવે દ્વારકા જેવા પવિત્ર શહેરમાં આજે પણ સદભાવના, વિશ્વાસ અને માનવતાના સંસ્કાર જીવંત હોવાનો સંદેશ આપ્યો છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *