સંગઠન અને જવાબદાર નેતૃત્વ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ પર ભાર
ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કોળી સમાજના ૧૨મા ભવ્ય અધિવેશનનું ગરિમામય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સમાજના અગ્રણીઓ, યુવા સાથીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અને સંચાલન સમાજના વિકાસ, શિક્ષણના પ્રસાર અને યુવા સશક્તિકરણ જેવા વિષયો પર કેન્દ્રિત રહ્યું હતું. અધિવેશનમાં કોળી સમાજે હંમેશા એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે વાતને ફરી એકવાર દોહરાવવામાં આવી હતી. આ અવસરે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય યુવા પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઈ પટેલનું સન્માન દિવ્યેશ ચાવડા, લક્ષ્મણ બારૈયા અને બલદેવ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ગૌરવશાળી અધિવેશનના સફળ આયોજનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપ, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા, અજીતભાઈ પટેલ, સત્યનારાયણ પવાર, સાંસદ ગેનીબેન ઠાકોર, સાંસદ ઉમેશભાઈ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિવ્યેશ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ અને પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ સહિતના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના ઉત્કર્ષ અને ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત વિચારવિમર્શ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સન્માન કરવાનો અવસર આયોજકોને મળ્યો હતો, જે સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી.

અધિવેશનમાં એક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી કે, રાજકીય ક્ષેત્રે ચૂંટણી દરમિયાન સમાજના નામે મતો મેળવીને અને સમાજના સમર્થનથી ચૂંટાઈ આવતા કેટલાક નેતાઓ વિજય મેળવ્યા બાદ સમાજથી અંતર રાખતા હોય છે. આવા નેતાઓ સામે સમાજે જાગૃત થવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે સમાજહિતને હંમેશા સર્વોપરી માનનાર અને સમાજની વચ્ચે રહીને સતત કાર્યરત રહે તેવા સનિષ્ઠ અને જવાબદાર નેતૃત્વને જ પ્રોત્સાહન આપવામાં આવે. શિક્ષણ, સંગઠન અને સમાજ સેવાને પોતાના જીવનનો મુખ્ય ભાગ બનાવવા માટે યુવાનોને આહવાન કરવામાં આવ્યું હતું. યુવાનો સમાજની સૌથી મોટી તાકાત છે અને તેમના સશક્ત નેતૃત્વથી જ સમાજ નવી ઊંચાઈઓ સર કરી શકશે. સમગ્ર અધિવેશનમાં ઉપસ્થિત સૌ અગ્રણીઓએ આગામી સમયમાં સમાજ અને રાષ્ટ્રના હિત માટે સંગઠિત થઈને સતત કાર્યરત રહેવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અધિવેશન સામાજિક એકતાની નવી દિશા પ્રદાન કરનારું સાબિત થયું છે.



