

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫
ખંભાળિયા નગરપાલિકામાં દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી અને અત્રેથી આશરે દશેક કિલોમીટર દૂર આવેલા તરઘડી દેવળીયા ગામ સ્થિત ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે. અહીં વિપુલ પ્રમાણમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈકાલે રવિવારે સાંજે કોઈ કારણોસર એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને આશરે આઠેક કલાકની લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

ખંભાળિયા નજીક આવેલા તરઘડી સ્થિત કચરાના ડમ્પ યાર્ડમાં કોઈ સળગતી ચીજવસ્તુ કે સિગારેટના કારણે રવિવારે સાંજે આશરે ચારેક વાગ્યે ભીષણ આગ લાગી હતી. જેને અનુલક્ષીને નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર તેમજ સ્ટાફ દ્વારા બે ફાયર ફાઈટરની મદદથી ડમ્પિંગ યાર્ડ ખાતે આગને કાબુમાં લેવા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ ફાયર ટીમ દ્વારા અવિરત કામગીરી કરી અને ગત રાત્રે આશરે અગિયારેક વાગ્યે વાગ્યા બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આશરે આઠેક કલાકથી લાગેલી આ આગના કારણે નજીકના વિસ્તારોમાં ધુમાડા અને ગેસ જેવું વાતાવરણ સર્જાયું હતું. કચરાના નીચે ધુંધવાતા ગેસ તેમજ ભયંકર દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી.

અહીંના ડમ્પિંગ યાર્ડના કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે જે.સી.બી.ની મદદથી કચરાના ઢગલાને દૂર કરી, તેના ઉપર ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવે તો જ આગ પર કાબુ મેળવાય તેવી પરિસ્થિતિમાં નગરપાલિકા પાસે જે.સી.બી. ન હોવાથી અન્ય સ્થળેથી જેસીબી ની વ્યવસ્થા કરાવીને બે-બે ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને લાંબી જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી.

અહીં ગંદકી અને કચરાના ઢગલામાં લાગેલી આગની દુર્ગંધથી જાણે ગેસ લીક થયો હોય તેવી દુર્ગંધ ફેલાઈ જતા આ વિસ્તારના લોકોમાં આંખ બળવાની ફરિયાદો સાંભળવા મળી હતી અને નજીકના રસ્તામાં ધુમાડાના કારણે નજીકના વિસ્તારમાં જોવામાં પણ હાલાકીનો સામનો કરવો પડતો હતો.

ખંભાળિયા નગરપાલિકા પાસે છેલ્લા ઘણા સમયથી જેસીબી કે લોડર જેવા સાધન ન હોય અને અગાઉના આવા વાહનો ભંગાર થઈ ગયેલા હોય, જેના પરિણામે આવી ઇમર્જન્સીની પરિસ્થિતિમાં હાલાકીનો સામનો કરવો પડે છે.
(ફોટો:- કુંજન રાડિયા)