એવી રીતે…
– નારન બારૈયા

નવદુર્ગાની નવધા ભકિત : માડી, તારાં રૂપ અનેક
નિરાકાર રૂપે રહેલી શકિતનું ભૌતિક સ્વરૂપે થયેલ પ્રગટિકરણ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયનિ, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી જેવા નવ નામે ઓળખાય છે
નવરાત્રિ એ સર્વ અંકને આવરી લેતો તહેવાર છે, વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે
ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની , ભક્તિ, મુક્તિ દાયિની, શૈલપુત્રીં નમામ્યહમ્, ઓમ્ હીઁ, શ્રી કલીઁ શૈલપુત્રયૈ નમ:
નવરાત્રિ… નવનો આંક… અંક વિશ્વનાં પ્રથમથી લઇને છેલ્લા એકમ અંકને આવરી લેતો તહેવાર. અને દસક અંકમાં પ્રવેશતાં આવતા દશેરા સાથે તહેવારનો વિરામ. અંકવિશ્વમાં નવનો આંક સૌથી મોટો છે. તેથી કહી શકાય કે નવરાત્રિ એ સર્વ અંકને આવરી લેતો તહેવાર છે. વળી દરેક આંક સાથે આદ્યશકિતનાં એક-એક રૂપનું મહાત્મ્ય જોડાયેલું છે.
નવરાત્રીના નવ દિવસો આધ્યાશક્તિના આ દરેક સ્વરૂપની ઉપાસનાના દિવસો મનાય છે. દેવી કવચમાં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ આ પ્રમાણે છે:
પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥
પઞ્ચમં સ્ક્નદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥
નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥
નવદુર્ગા કહો કે આદ્યશકિત, જગદંબાનું પ્રથમ સ્વરૂપ છે- શૈલપુત્રી. તેમનો અવતાર હિમાલયની પુત્રી પાર્વતી તરીકે થયો હતો. તેમનાં જમણાં હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ તેમજ મસ્તક ઉપર ચંદ્રધારણ કરેલો છે અને ગાય તેમનું વાહન છે. નવરાત્રિના પ્રથમ દિવસે આ શૈલપુત્રીની પુજા કરવામાં આવે છે. તેમની પુજાનો મંત્ર છે:
ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની , ભક્તિ, મુક્તિ દાયિની, શૈલપુત્રીં નમામ્યહમ્, ઓમ્ હીઁ, શ્રી કલીઁ શૈલપુત્રયૈ નમ:
નવરત્રિનાં બીજા દિવસે નવદુર્ગાનું બીજું રૂપ પુજાય છે તે છે- બ્રહ્મચારિણી. બ્રહ્મત્વનું સમગ્ર ભાવે આચરણ કરનાર એટલે બ્રહ્મચારિણી. શાસ્ત્રોકત વર્ણન અનુસાર તપસ્વીના રૂપમાં રહેલી આ માતાના જમણા હાથમાં જપ કરવાની માળા છે અને ડાબા હાથમાં કમંડળ રહેલું છે. તેમની પુજાનો મંત્ર છે :
“શંકરપ્રિયા ત્વં હિ, ભુક્તિ-મુક્તિ દાયિની, શાંતિદા-માનદા, બ્રહ્નચારિણી પ્રણમામ્યહમ્, ઓમ્ ર્હીં, ર્શ્રીં કલીઁ, બ્રહ્નચારિણ્યૈ નમ:”
દુર્ગાનું ત્રીજુ રૂપ છે- ચંદ્રઘંટા. તેમના મસ્તક (ઘંટા) પર ચંદ્રધારણ કરેલ છે. સુર્વણ જેવો તેમનો વાન છે. દસ ભુજાઓ છે અને આ ભુજાઓમાં ખડગ, ધનુષ-બાણ ધારણ કરેલા છે. અને તેવો તેમના વાહન વાઘ ઉપર બિરાજમાન છે. દરેક પ્રકારની વિપત્તીઓને દુર કરવા માટે આરાધકો તેમના આ મંત્રના જાપ કરે છે :
નાના રૂપ ધારિણી, ઇચ્છામયી, ઐશ્વર્યદાયિનીમ્ સૌભાગ્યારોગ્ય દાયિની, ચન્દ્રઘન્ટે પ્રણમામ્યહમ્ ,ઓમ્ ઐઁ ર્હીં, ચંદ્રઘન્ટે હૂં ફટ્ સ્વાહા…
માતાનું ચોથુ સ્વરૂપ છે- કૂષ્માંડા. તેનો અર્થ થાય છે- કૂત્સિત ઉષ્મા. શાસ્ત્રોક વર્ણનો અનુસાર તેમને આઠ ભુજાઓ છે અને આ ભુજાઓમાં કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતકળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલા છે. ચોથા દિવસે માતાની પુજા કૂષ્માંડા રૂપે થાય છે. માતાનું એ રૂપ છે કે જેના મધુર હાસ્યથી સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઇ હતી. અને તેથી તેમની આ સ્વરૂપની પૂજા તત્કાલ તમામ વિપત્તિ અને દુ:ખોનો નાશ કરે છે. તેમની પૂજા માટેનો મંત્ર છે :
ત્રૈલોક્ય સુંદરી ત્વં હિ, દુ:ખ શોક નિવારિણીમ્,પરમાનન્દમયી, કૂષ્માંડે, પ્રણમામ્યહમ્,ઓમ્ કૂં કૂષ્માંડે મમ્ ધન-ધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા…
નવદુર્ગાનું પાંચમુંરૂપ છે- સ્કંદમાતા. તેનો અર્થ થાય છે કાર્તિકેયના માતા. કાર્તિકેયનું બીજુ નામ સ્કંદ છે અને દક્ષિણ ભારતમાં તેઓ મુરૂગન સ્વામિ નામથી પણ લોકપ્રિય છે. સ્કંદમાતા ચતુર્ભુજના રૂપમાં છે. તેમની ચાર ભુજાઓમાં બે હાથમાં કમળ ધારણ કરેલા છે. એક હાથમાં બાળ કાર્તિકય છે અને વધુ એક હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સહ છે. કેટલાક વર્ણનોમાં તેમને પદમ પર બેઠેલા દર્શાવાયા છે અને તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે. તેમની પુજાનો મંત્ર છે:
શાંતિંકુરૂસ્કંદમાતે,સર્વસિદ્ધિપ્રદાયક, ભુક્તિ-મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા, ઓમ્ ઐઁ કર્લીં, ર્હીં, સ્કંદમાતે હૂં હૂં ફટ્ સ્વાહા, ર્હીં ઐઁ, કર્લીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા…
નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે- કાત્યાયની. તેમને ચાર ભુજાઓ છે. તેમાં એક હાથમાં કમળ બીજા હાથમાં ચંદ્રહાશા નામની તલવાર અને ત્રીજો તથા ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે. એમનું વાહન સહ છે. નવરાત્રિનાં છઠ્ઠા દિવસે કરવામાં આવતી તેમની પૂજાનો મંત્ર છે:
વિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતાન સૂતે નમોસ્તુતે,ઓમ્ કાં કાં કાત્યાયની સ્વાહા…
નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે- કાલરાત્રિ. આ સ્વરૂપમાં તેમને ચાર ભુજાઓ છે. જેમાં એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો તથા ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે તેવો તેમનાં વાહન ગર્ધપ ઉપર બીરાજમાન થયેલા છે. કૃષ્ણ વર્ણનનાં આ કાલરાત્રિ દેવીની પુજાનો મંત્ર છે:
કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્,
ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્, ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા…
આદ્યશકિતની આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી.આ સ્વરૂપમાં તેમને ચાર ભુજાઓ છે. એક હાથમાં ત્રિશુલ અને બીજા હાથમાં ડમરૂ ધારણ કરેલું છે. પોતાના વાહન વૃષભ ઉપર બેઠેલા મહાગૌરીનાં બે હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. નવરાત્રિનાં આઠમાં દિવસે ગૌર વર્ણનનાં આ દેવીની પુજા થાય છે. આ દિવસને દુર્ગાષ્ટમી પણ કહેવામાં આવે છે. તેઓ શ્વેતાંબર ધરા તરીકે પણ ઓળખાય છે. તેમની પુજાનું મંત્ર છે:
શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ, મુક્તિ, દાયક દેવી, નમસ્તે, નમસ્તે સ્વાહા, ઓમ્કર્લીં,હૂઁ,મહાગૌર્યે ક્ષૌં, ક્ષૌં,મમસુખ-શાંતિકુરુકુરુ સ્વાહા…
નવદુર્ગાનું નવમું રૂપ છે- સિદ્ધિદાત્રી. તેમને ચાર ભુજાઓ છે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. ભગવાન વિષ્ણુની પેઠે તેમણે પણ શંખચક્રગદાપદ્મ ધારણ કરેલા છે. તેમનું વાહન સહ છે. નવરાત્રિનાં અંતિમ એટલે કે નવમાં દિવસે તેમનું પૂજન-અર્ચન કરાય છે. દેવી ભાગવત પુરાણમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્માંડની રચના થઇ તેની શરૂઆતમાં ભગવાન શિવે પણ આદિ-પરાશકિતની ઉપાસના કરી હતી. આદિ-પરાશકિત દેહસ્વરૂપ ધરાવતા ન હતાં. પરંતુ તેઓ શિવનાં અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગ્ટયા હતાં. તેથી સિદ્ધિદાત્રી અર્ધનારીશ્વર તરીકે પણ ઓળખાય છે. તેમની ઉપાસનાથી મનુષ્ય ઉપરાંત દેવ, ગાંધર્વ, યક્ષ અને અસુર અને સિદ્ધને પણ સિદ્ધિ મળે છે. તેમની ઉપાસનાનો મંત્ર છે:
શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા, ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા…
આ પ્રકારે નવદુર્ગાના નવ સ્વરૂપની નવ પ્રકારે પુજા થાય છે અને આ પુજા નવધા ભકિતનો એક ભાગ છે.
thegreatworld777@gmail.com
