
ધ ગ્રેટવર્લ્ડ, પોરબંદર
આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસના કારણે માણસ એકબીજાને મળવાથી એટલો બધો વંચિત થતો જાય છે કે જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખરેખર રૂબરૂ મળવું જોઈએ એવા તહેવારો પણ માત્ર ડિજિટલ માધ્યમો ઉપર ઉજવાતા થઈ ગયા છે. આ બાબત ને લઈને પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખણીએ જનતાને એવો અનુરોધ કર્યો છે કે તેઓ આવનારા નવા વર્ષે માત્ર માત્ર ડિજિટલ માધ્યમથી ફોર્માલીટી પૂરતી શુભેચ્છાઓ પાઠવવાને બદલે એકબીજાને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવે.
એક વિડીયો જારી કરીને એડવોકેટ લાખણીએ જનતા જોગ અનુરોધમાં જણાવ્યું કે એકબીજાની પાસે આવવું સહેલું છે પરંતુ એકબીજાની પાસે આવ્યા પછી એકબીજાને ભેટીને મળવું અઘરું છે ત્યારે ભારતીય સંસ્કૃતિ અનુસાર એકબીજાને મળવાનું જે મહત્વ છે તે ભુસાવવા ન દેતા આ વર્ષે લોકો એકબીજાને રૂબરૂ મળે અને એકબીજાને પ્રેમપૂર્વક ભેટીને મળે. એમણે હળવી શૈલીમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે આજે તો લોકો વડીલોને પગે લાગવાની પ્રક્રિયા પણ ડિજિટલ માધ્યમથી જ પતાવે છે અને વડીલો આશીર્વાદના રૂપમાં જે લક્ષ્મી ભેટમાં આપે છે તે પણ ડિજિટલ ક્યુઆર કોડથી ગુગલ પે ઉપર જ મેળવી લેવાનો આગ્રહ રાખે છે.
