– મંગળા આરતી સવારે પાંચ વાગ્યે યોજાશે –
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬
ઉનાળુ વેકેશનની સાથે સાથે દ્વારકા યાત્રાધામમાં હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજથી શરૂ થયેલ વીક-એન્ડ તથા આવતીકાલે અધિક પૂર્ણિમાના રોજ દેવ દિવાળી પર્વની ઉજવણી થનાર છે. આને અનુલક્ષીને ભાવિકોનો અભૂતપૂર્વ ઘસારો સ્વાભાવિક છે.
દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે રવિવારે સવારે 5 વાગ્યે મંગળા આરતી યોજાશે. ભાવિકોને મંગળા આરતીના સુવ્યવસ્થિત દર્શન થઈ શકે તે હેતુ સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી શ્રીજીના મંગળા દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. સવારે 8 થી 9:15 સુધી બંધ પડદે અભિષેક, 9:15 થી 9:45 શૃંગાર દર્શન, 9:45 થી 10 વાગ્યા સુધી સ્નાન ભોગ (દર્શન બંધ), 10 થી 10:30 શૃંગાર દર્શન, 10:30 થી 10:45 શૃંગાર ભોગ (દર્શન બંધ), 10:45 થી 11 શૃંગાર આરતી, 11:15 વાગ્યે ગ્વાલ ભોગ (દર્શન બંધ), 12 થી 12:30 રાજભોગ (દર્શન બંધ) બાદ બપોરે 1 વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે તેમ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.
આ સાથે સાંજનો શ્રીજીનો ક્રમ નિત્યક્રમાનુસાર થશે. અધિક માસ દરમ્યાન દેવ દિવાળી પર્વ નિમિત્તે સાંજે શ્રીજીના ઉત્સવ દર્શન યોજાશે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
