
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬
ખંભાળિયાના મૂળ રહીશ એવા એક રઘુવંશી દંપતીના લગ્નને 25 વર્ષ થતાં તેમણે ખોટા ભપકાના બદલે જલારામ બાપાના મંદિરે ધ્વજારોહણ કરી અને 25 મી વર્ષગાંઠ ઉજવી હતી.
ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે સ્થાયી થયેલા વિજયભાઈ થોભાણી તથા શ્રીમતી રીતુબેન થોભાણીના લગ્નને 25 વર્ષ પૂર્ણ થતાં તેમણે આ દિવસને યાદગાર બનાવવા તથા ખોટા ભપકા ન કરીને સમાજને ધાર્મિકતાનો સંદેશો આપવાના આશયથી ખંભાળિયામાં આવેલા સુવિખ્યાત જલારામ બાપાના મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ વિશિષ્ટ ઉજવણીમાં અહીંના જલારામ મંદિર ખાતે સવારે પરંપરાગત રીતે ધ્વજા પૂજન, શોભાયાત્રા બાદ મંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.

આ સાથે આમંત્રિત મહેમાનોના સમૂહપ્રસાદ તેમજ સાથે આ સ્થળે 80 જેટલા ગરીબો – જરૂરિયાતમંદ લોકોને પણ રસ-પુરી સહિતનું સુવ્યવસ્થિત ભોજન કરાવી, આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
રજત જયંતિની અનોખી ઉજવણીનું આ સમગ્ર આયોજન આવકારદાયક સાથે પ્રેરણારૂપ બની રહ્યું હતું.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
