જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬
કલ્યાણપુર નજીકના હાઈવે માર્ગ પર રવિવારે સાંજના સમયે એક બોલેરો વાહનના થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા પાંચ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુરથી આશરે 35 કિમી દૂર પોરબંદર-દ્વારકા હાઈવે પર આવેલા નાવદ્રા અને ભોગાત ગામ વચ્ચે જી.જે. 37 ટી 7798 નંબરના એક મહિન્દ્રા બોલેરો ફોર વ્હિલરમાં બેસીને પોરબંદરથી ભીમરાણા તરફ જઈ રહેલા કેટલાક યુવાનો સાથેના આ બોલેરો વાહનનું ટાયર એકાએક ફાટતાં આ વાહનના ચાલક સિધ્ધરાજભા ડેરાજભા કેરએ પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ બોલેરો રસ્તાની એક તરફ ઉતરી અને લોખંડના પાઈપના બારમાં અથડાઈ પડી હતી.
આ પછી આ વાહન આગળ રહેલા તળાવના ખાડામાં ઘૂસી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં વાહન ચાલક સિધ્ધરાજભા કેરને માથાના ભાગે, મોઢાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા ડુંગરભા પાચાર્યાભા સુમણીયા, અશ્વિન ઘેલુભા માણેક, દેસા ડેરાજ ચાનપા, અજય મેઘાભા ભગાડ અને પરબત હમીરભા ભગાડ નામના પાંચ જેટલા યુવાનોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતના આ બનાવ અંગે ભીમરાણા (મીઠાપુર) ગામના રહીશ ડોસાભા જખરાભા સુમણીયા (ઉ.વ. 60) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક બોલેરો ચાલક સિધ્ધરાજભા ડેરાજભા કેર સામે બીએનએસ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
