જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬
દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો: મૃત્યુ
દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે રહેતા વિવેક જાદવભાઈ વાઘેલા નામના 25 વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનના રૂમના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ સંદીપભાઈ જાદવભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે.
ખંભાળિયાના વૃધ્ધ મેલી વિદ્યા જાણતો હોવાની શંકા કરી, પાંચ શખ્સો દ્વારા હુમલો
ખંભાળિયા તાલુકાના ભાણ ખોખરી જગાભાઈ રાજાભાઈ વેસરા નામના 68 વર્ષના ભરવાડ વૃધ્ધ ગત તા. 27 મી ના રોજ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે આવેલી વલમદાસ બાપાની જગ્યા ખાતે બાર પોરામાં સેવા પૂજા કરવા માટે ગયા હતા, ત્યારે અહીં ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામના ખોડા ચના વેસરા, ચના દેવા વેસરા, ઘેલા ધના ગમારા, નારણ ધના ગમારા અને નાથા મલા ગમારા નામના પાંચ શખ્સો અહીં ધસી આવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી જગાભાઈ વેસરા મેલી વિદ્યા જાણતા હોવાની શંકા કરી અને આરોપીઓના પરિવારમાં જ્યારે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેઓને ફરીયાદી જગાભાઈએ મેલીવિદ્યાથી માર્યા હોવાની શંકા આરોપીઓએ વ્યક્ત કરી હતી.
આ પછી આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી, ફરિયાદી જગાભાઈને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં આરોપીઓએ લાકડી તેમજ કુહાડા વડે બેફામ માર મારી, ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે રાયોટિંગ અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડ દ્વારા હાથ કરવામાં આવી છે.
______________________________ ______________________________ _________________
ખંભાળિયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં પી.આઈ. સી.આર. રાણાની સૂચના મુજબ સ્થાનિક પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક આવેલા ભંડારીયા ગામે માંઢ વાડી વિસ્તારમાં રહેતા રોહિત ખીમભાઈ ભાટિયા નામના શખ્સ દ્વારા પોતાના કબજાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે રોહિત ખીમભાઈ ભાટીયા, કાના સીદા ભાટીયા, પરબત ગોવા ભાટીયા, અરશી બોઘા ભાટીયા, આશિષ બોઘા ભાટીયા, કાના ભીમા ભાટુ અને કરસન હરદાસ ભાટીયા નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 48,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ અરજણભાઈ આંબલીયા, ભૂપેન્દ્રસિંહ જાડેજા અને કાનાભાઈ લુણાની બાતમીના આધારે કરવામાં આવી હતી. જેમાં પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ, હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા વિગેરે સાથે રહ્યા હતા.
