
– 2027 ની ચૂંટણીની તૈયારી બેઠક યોજાઈ –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬
ખંભાળિયામાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે બુધવારે રોજ સાંજે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખંભાળિયા વિધાનસભા બેઠક અંતર્ગત જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાની ચૂંટણી લડી ચૂકેલા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોનું સ્મૃતિચિહ્ન આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પાર્ટી માટે કરેલા સંઘર્ષ અને મહેનત બદલ ઉમેદવારો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ બેઠકના બીજા તબક્કામાં વર્ષ 2027 વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના, બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવા અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી, મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પાર્ટી માટે દિવસ-રાત સંઘર્ષ કરનાર દરેક કાર્યકર્તા અમારી મૂડી છે. આજે ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોનું સન્માન કરીને અમે ગર્વ અનુભવીએ છીએ. 2027ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર મજબૂત દાવેદારી માટે આજથી જ કામે લાગી જવાનો નિર્ધાર તમામ કાર્યકર્તાઓએ કર્યો છે.”
આ બેઠકમાં ઉમેદવારોના ટેકેદારો, વર્ષોથી પાર્ટી માટે સંઘર્ષ કરનારા નેતાઓ, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
