Headlines

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો


– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન –

– સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ –

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬

       ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

       દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે મહત્વનું યોગદાન આપનારા અમર શહીદ કુંવર પ્રતાપસિંહ બારહઠને યાદ કરીને ખંભાળિયામાં શહીદ વંદના કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતી સેવા સંસ્થા ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (સી.જી.આઈ.એફ.) અને ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (સી.આઈ.ટી.ઓ.) ના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયામાં સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલા શહીદ વંદના કાર્યક્રમમાં કલમ ત્યાગ અને બલિદાનની અમર ગાથા સમાન તેમજ રાષ્ટ્ર માટે સર્વસ્વ અર્પણ કરનારા બારહઠ પરિવારને યાદ કરીને સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. 

      આ પ્રસંગે સોનલધામ – મઢડાથી પૂજ્ય ગીરીશઆપા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, સહિતના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી.

        આ સમગ્ર આયોજન માટે અહીંના ગઢવી સમાજના અગ્રણી પબુભાઈ ધારાણી, રાજાભાઈ રૂડાચ તેમજ ગઢવી સમાજના આગેવાનો, હોદ્દેદારો અને તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જિલ્લામાં પ્રથમ વખત કરવામાં આવેલું આ પ્રકારનું આયોજન પ્રેરણાદાયી અને આવકારૂપ બની રહ્યું હતું.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *