જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬
ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટીવી 7273 નંબરના એક ડમ્પરના ચાલકે કોઈપણ પ્રકારના સાઈડ સિગ્નલ આપ્યા વગર કુવાડીયા ગામમાં જવાના રસ્તે પોતાનું ડમ્પર વાળતા આ માર્ગ પર આવી રહેલી એક ટ્રાવેલ્સ બસ આ ડમ્પરના પાછળના ભાગે અથડાઈ પડી હતી. જેના કારણે ટ્રાવેલ્સ બસમાં નુકસાની થવા પામી હતી.
આ બનાવ અંગે ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા કીર્તિસિંહ રઘુવીરસિંહ જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ડમ્પરના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
_____________________________________________________________________________
કલ્યાણપુરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા રામ ઉર્ફે રામલી આવળાભાઈ ગોરાણીયા નામના 24 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 8,800 ની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ 8 બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
ઓખામાં બે જુગારીઓ ઝડપાયા
ઓખામાં બોકસાઈટ પ્લોટની પાછળના ભાગેથી પોલીસે સંદીપ ભુપતભાઈ વાળા અને દેવ કિરનભાઈ ચૌહાણને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઇ, રૂ. 1,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
_____________________________________________________________________________
સલાયામાં માછીમાર સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ફિરોજ અબ્બાસ બારોયા નામના 37 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશિંગ બોટમાં નિયમ મુજબ આકસ્મિક સઢ ન રાખીને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમનો ભંગ કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
_____________________________________________________________________________
કલ્યાણપુરના મોટા આસોટા ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ: બુટલેગર ફરાર
કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની ટીમ દ્વારા રવિવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કરસનભાઈ ચેતરીયા, ભીમજીભાઈ કાગડિયા અને દિલીપભાઈ બાવળિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 45 કિલોમીટર દૂર મોટા આસોટા ગામના સીમ વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે રૂપિયા 15,000 ની કિંમતમાં 75 લીટર દેશી દારૂ, 600 લીટર દારૂ બનાવવાનો આથો વિગેરે મળે કુલ રૂપિયા 27,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આદરોડા દરમિયાન આરોપી મનોજ નારણભાઈ ચાવડા નામનો શખ્સ સંડોવાયેલો હોય, જે આ સ્થળે મળી ન આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપી મનોજ ચાવડાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
