Headlines

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત: આધેડનું મૃત્યુ


જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬

           ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ નામના 52 વર્ષના આધેડ ગત તા. 5 મે ના રોજ પોતાના જી.જે. 10 એ.જી. 8420 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી આદર્શ સ્કૂલ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક ખૂંટિયો ઉતરી આવ્યો હતો. જેના કારણે રવજીભાઈ નકુમનું મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું.

        આ પછી તેમનું મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાઈ પડતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મેહુલભાઈ રવજીભાઈ નકુમએ અહીંની પોલીસને કરી છે. 

_____________________________________________________________________________

સઈ દેવળીયા ગામના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો

       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ શીરા નામના 62 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેઓ ખેતરમાં પટકાઈ પડ્યા હતા અને નાના અણીદાર પથ્થરો ઉપર પડ્યા હતા. આમ, હાર્ટ એટેકના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પત્ની સુમિત્રાબેન દિનેશભાઈ શીરાએ સ્થાનિક પોલીસને કરી છે.

_____________________________________________________________________________

કલ્યાણપુર નજીક ટ્રક ટેઈલરની ટ્રેક્ટર સાથે ટક્કર

        કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા મનસુખભાઈ ભીખુભાઈ નકુમ નામના 32 વર્ષના સતવારા યુવાન તેમનું જી.જે. 37 એમ. 5664 નંબરનું ટ્રેક્ટર લઈને હાબરડી ગામના પાટીયા પાસેની પોતાની વાડીએ ખાતર ખાલી કરીને પરત જુવાનપુર ગામે આવી રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા અન્ય એક ટ્રક ટેઈલર નંબર આર.જે. 01 જી.બી. 5287 ના ચાલકે પોતાનું ટેઈલર ગફલત ભરી રીતે ચલાવી ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને તેના ચાલક મનસુખભાઈ નકુમને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

         આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ટ્રક ટેઈલરના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_____________________________________________________________________________

દ્વારકામાં પીધેલી હાલતમાં ભાવનગરનો કાર ચાલક ઝબ્બે

       ભાણવડના નિર્મલનગર વિસ્તારમાં રહેતા અનિલસિંહ વનરાજસિંહ ચૌહાણ નામના 29 વર્ષના શખ્સને દ્વારકા પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા પાંચ લાખની કિંમતની હ્યુન્ડાઈ વેન્યુ મોટરકારમાં વિદેશી દારૂની અધૂરી બોટલ સાથે ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *