જંગલી પ્રાણીઓને જંગલમાં ખસેડવાની અને યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહ, દીપડા, રોજ અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ રોજબરોજ મહેસૂલી વિસ્તાર અને ગામડાઓમાં ઘૂસીને કિંમતી પાલતું પશુઓ, ઘેટાં-બકરાં તેમજ નાના બાળકોને ફાડી ખાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો અને ખેતમજૂરો ભારે ભય અને ફફડાટના ઓથાર નીચે જીવન વિતાવી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને લઈને સરકાર અને વન વિભાગ સામે ખેડૂત નેતા ભરતસિંહે સરકારની ભારે જાટકણી કાઢી હતી અને વન અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચોખ્ખું પરખાવી દીધું હતું કે સિંહ અને દીપડાઓને ગીરના જંગલોમાં જ રાખવામાં આવે અને તેઓ કોઈપણ સંજોગોમાં મહેસૂલી વિસ્તાર કે ગામડાઓમાં ન આવવા જોઈએ. જંગલ ખાતાની બેદરકારી અને દાદાગીરી સામે ખેડૂત નેતા ભરતસિંહ આક્રમક અંદાજમાં મેદાને ઉતર્યા છે.
આવેદનપત્રમાં વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે કે વર્ષો પહેલાં સરકારે સરપંચોને રોજડાઓને ભડાકે દેવાની મંજૂરી આપી હતી, તેવી જ રીતે સિંહ, દીપડા અને ભૂંડ જેવા હિંસક પ્રાણીઓને પણ મહેસૂલી વિસ્તારમાંથી હટાવવા માટે મંજૂરી આપવામાં આવે અથવા તેમને ગીરના ચૌદસો ચોરસ કિલોમીટરના નિયત જંગલ વિસ્તારમાં મર્યાદિત રાખવામાં આવે. જંગલ ખાતું મૃત્યુ પામેલા પ્રાણીઓ અથવા અકસ્માતની ઘટનાઓ બાબતમાં સામાન્ય ખેડૂતોને રીબાવીને ત્રાસ આપે છે અને કડક કાયદાઓ દ્વારા ગામડાના લોકોને હંમેશા બંધનમાં રાખે છે, જે હવે કોઈપણ ભેગે સાંખી લેવામાં આવશે નહીં. ભૂતકાળમાં વિસાવદર પંથકમાં સિંહ અને દીપડાનો ત્રાસ વધતા હર્ષદ રીબડીયા ખુદ બંદૂક લઈને આક્રમક અંદાજમાં બહાર આવ્યા હતા, પરંતુ વર્તમાન સમયમાં જનપ્રતિનિધિઓ અને ચૂંટાયેલા નેતાઓ આ ગંભીર વિષય પર સંપૂર્ણ ચૂપ છે, જેના કારણે ખેડૂત નેતા ભરતસિંહે જાતે જ મોરચો સંભાળીને વિરોધ નોંધાવ્યો છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી માત્ર નવ હજાર વીઘા જમીનમાં વનતારા જંગલ બનાવીને સેંકડો સિંહ અને દોઢ લાખથી વધુ વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓને સુરક્ષિત રીતે સાચવી શકતા હોય, તો સરકાર અને વન વિભાગ ચૌદસો કિલોમીટરના વિશાળ ગીર જંગલમાં જંગલી પ્રાણીઓને કેમ નથી રાખી શકતા તે એક મોટો અને ગંભીર સવાલ છે. ખેડૂત નેતા ભરતસિંહે જણાવ્યું કે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમોના જાપ જપીને સામાન્ય પ્રજા અને બાળકોના જીવનને જોખમમાં મૂકવામાં આવે છે. જો આગામી પંદર દિવસમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે અને જંગલી પ્રાણીઓને જંગલમાં પરત નહીં ખસેડવામાં આવે તો ખેડૂતો અને પશુપાલકો પોતાના સ્વરક્ષણ માટે સવિનય કાયદાનો ભંગ કરવા મજબૂર બનશે અને ગામડાઓમાં ઉગ્ર આંદોલનો ફાટી નીકળશે.

આ ગંભીર મુદ્દે ખેડૂત નેતા ભરતસિંહની આગેવાની હેઠળ પારસ સોજીત્રા, ગોબર ભરવાડ, સામત ચૌહાણ, જયદીપ ધાખડા, નાનુભાઈ ભરવાડ, મહેશ સોડવડીયા અને નીકુજસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી સઘન પગલાં નહીં ભરાય તો આગામી ચૂંટણીઓમાં તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. વન વિભાગ દ્વારા ગામડાઓમાં કરવામાં આવતી આતંકવાદી જેવી ત્રાટકવાની કાર્યવાહી અને દાદાગીરી તુરંત બંધ કરવામાં આવે તેમજ જંગલી પ્રાણીઓના હુમલાથી પોતાના સભ્યો ગુમાવનાર પરિવારોને સરકાર દ્વારા અલગથી એક કરોડ રૂપિયાની આર્થિક સહાય ફાળવવામાં આવે અને જંગલી પ્રાણીઓની વધતી જતી સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે તેમનું ખસીકરણ કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.
