લક્ષ્મણ બારૈયાની રણનીતિ અને કોળી સમાજના સમર્થન સાથે વિજયનો ઉત્સવ
ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવનાર ઉમેદવાર મુકેશભાઈ રાઠોડે જીત બાદ સૌ પ્રથમ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી એન્જી. લક્ષ્મણભાઈ બારૈયા, નાગજીભાઈ શેઠ લંગાળા તથા કોળી સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીમુબેને મુકેશભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં મુકેશભાઈના હસ્તે લોકહિતના કાર્યો સફળતાપૂર્વક સંપન્ન થાય. તેમણે મુકેશભાઈની રાજકીય કારકિર્દીમાં ઉત્તરોત્તર ઉન્નતિ થાય અને તેમની લોકપ્રિયતામાં વધારો થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.
નોંધનીય છે કે, મુકેશભાઈ રાઠોડની આ જીતમાં લક્ષ્મણભાઈ બારૈયાની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહી હતી. આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લક્ષ્મણભાઈ સતત મુકેશભાઈની સાથે ખડેપગે રહ્યા હતા. તેમની સચોટ ચૂંટણી રણનીતિ, પ્રભાવશાળી વક્તવ્યો અને ‘ચૂંટણી સ્ટેટસ’ના કુશળ સંચાલનથી મતદારોમાં ભાજપ તરફી લહેર ઊભી કરવામાં સફળતા મળી હતી. સાંસદ નીમુબેન બાંભણિયાએ પણ લક્ષ્મણભાઈની આ મહેનત અને વ્યૂહરચનાની સવિશેષ નોંધ લીધી હતી અને તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા.
આ મુલાકાત વેળાએ કોળી સમાજના આગેવાનોએ પણ મુકેશભાઈની જીતને સમગ્ર સમાજ અને પક્ષની જીત ગણાવી હતી. આ વિજયથી વિસ્તારના વિકાસકાર્યોને નવી ગતિ મળશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં, તમામ આગેવાનોએ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
