Headlines

ડિફેન્સ, નેવીની જમીન પર ખડકાવ્યું હતું તો તિંગ દબાણ – રૂપેણ બંદરમાં કરોડોની કિંમતી જમીન કબજામુક્ત


દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે તંત્રની સધન કાર્યવાહી– ડિફેન્સ, નેવીની જમીન પર ખડકાવ્યું હતું તોતિંગ દબાણ –
– રૂપેણ બંદરમાં કરોડોની કિંમતી જમીન કબજામુક્ત…

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬

દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક પગલાં લેતા ફરી એકવાર વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દ્વારકા-ઓખા હાઈવે વિસ્તારથી લઈને મીઠાપુરના દરિયાકિનારા સુધી ફેલાયેલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને દૂર કરવા માટે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ સધન કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાની સરકારી જમીન કબજામુક્ત કરવામાં આવી છે.
માહિતી મુજબ દ્વારકા શહેર વિસ્તારમાં વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખાસ કરીને દ્વારકા ઓખા હાઈવે પર આવેલા દબાણોને તોડી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં પણ યથાવત્ ચાલુ રહેવાની સંભાવના છે. આ દબાણગ્રસ્ત જગ્યા ડિફેન્સ-નેવીની માલિકીની જગ્યા વિસ્તાર નજીક હોવાનું પણ ખુલવા પામ્યું છે.
આંકડાકીય માહિતી પ્રમાણે, નગરપાલિકાના રૂપેણ બંદર સર્વે નંબર 32 માંથી અંદાજે 232 ચોરસ મીટર વિસ્તારની જમીન, જેની બજાર કિંમત રૂ. 40.60 લાખ જેટલી અંદાજવામાં આવી છે. આ ઉપરાંત સર્વે નંબર 34 માંથી 300 ચોરસ મીટર વિસ્તારની રૂ. 52.50 લાખ કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આજની આ દબાણ હટાવ ઝુંબેશમાં કુલ રૂપિયા 93.10 લાખની કિંમતની કુલ 532 ચોરસ મીટર જમીન જમીન પરના દબાણો ધ્વસ્ત કરી અને આ જગ્યા પુનઃ સરકારી કબજામાં લેવામાં આવી છે.
આ કામગીરી માત્ર દ્વારકામાં મર્યાદિત ન રહી, પરંતુ મીઠાપુરના દરિયાકિનારા વિસ્તારમાં પણ તંત્રએ સખત કાર્યવાહી હાથ ધરી છે. દરિયાથી માત્ર 100 મીટરના અંતરે આવેલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે આશરે 2500 ચોરસ મીટર જેટલો વિશાળ વિસ્તાર કબજામુક્ત કરાયો છે, આજે ડીમોલેશન કરાયેલી જમીનની અંદાજિત કિંમત રૂ. 2.27 કરોડ જેટલી થાય છે.
દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા ડીવાયએસપી સાગર રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓ અને ભૂમાફિયાઓમાં ચકચાર મચી ગઈ છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ સહન કરવામાં આવશે નહીં.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *