જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ”મેલેરીયા મુકત ગુજરાત” અન્વયે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા વાહકજન્ય રોગોના નિયંત્રણમાં લેવા માટે આશરે 300 આરોગ્ય કર્મચારીઓ, 500 આશા બહેનો તેમજ અન્ય પેરામેડીકલ સ્ટાફ દ્વારા તા. 4 જૂન સુધી રોગોના સર્વેલન્સ અને મચ્છર ઉત્પતિ સ્થાનો નાશ કરવા તેમજ પોરાનાશક કામગીરી અને વધુમાં જરૂર જણાયેથી ફોગીંગ અને નાના મોટા તળાવ, ટાંકાઓમાં પોરાભક્ષાક માછલી મુકી અને મચ્છરોના ઉત્પતિ સ્થાનો નાશ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.
વાહકજન્ય રોગ અટકાયતી સર્વેલન્સ કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય સાથ અને સહકાર આપવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જનસમુદાયને અનુરોધ કરવામાં આવ્યો છે.
