Headlines

​ડીઝલ પર સબસિડી આપો તો જ ખેડૂતો પાસે પુરાવા માંગો, નહીંતર ઉગ્ર આંદોલન: ખેડૂત નેતા ભરતસિંહ વાળા



​ખરીફ સિઝન પહેલાં ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખવા સામે ભરતસિંહ વાળાનો આક્રોશ: ડીઝલ પર પ્રતિ લીટરે ₹50ની સબસિડી અને પ્રતિ વીઘે ₹15,000ની સહાય આપવા સરકારને ચીમકી


​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર:


​ખરીફ સિઝન નજીક આવતા જ રાજ્યમાં ડીઝલની સર્જાયેલી અછત અને સરકારી કચેરીઓ દ્વારા ખેડૂતો પાસે માંગવામાં આવતા પુરાવાઓ સામે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળાએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો સરકાર ખેડૂતોને ડીઝલ પર રાહત આપવા માંગતી ન હોય તો દસ્તાવેજી પુરાવાઓ માંગવાનું તાત્કાલિક બંધ કરે.
​સરકારની દાનત અને દાવાઓ પર ભરતસિંહ વાળાના આકરા પ્રહારો
​ખેડૂત નેતા ભરતસિંહ વાળાએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “એક તરફ ખરીફ સિઝનની શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોને માત્ર ૨૦૦ લીટર ડીઝલ મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. એટલું જ નહીં, સરકારી કચેરીઓ જેવા દસ્તાવેજી પુરાવાઓ માંગવાની પ્રથા તદ્દન ગેરકાયદેસર છે.”
​તેમણે સરકારના “પૂરતો જથ્થો છે” તેવા દાવાઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, રાજકીય વગ ધરાવતા મળતિયાઓ મોટા બેરલો ભરી જાય છે, જ્યારે સામાન્ય અને સાચો ખેડૂત ડીઝલ વગર વલખાં મારી રહ્યો છે.
​મુખ્ય માંગણીઓ અને સરકારને ચીમકી
​ભરતસિંહ વાળાના નેતૃત્વમાં સંગઠન દ્વારા સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે:
​સબસિડી અને પુરાવા: જો સરકાર ડીઝલ પર પ્રતિ લીટરે ₹50ની સબસિડી આપે, તો જ ખેડૂતો પાસેથી ૭-૧૨, ૮-અના ઉતારા કે ટ્રેક્ટરની RC બુક જેવા પુરાવા માંગવામાં આવે.
​ખરીફ સહાય: ખરીફ સિઝન માટે ખેડૂતોને પડતર કિંમતે ડીઝલ-ખાતર તેમજ વાજબી ભાવે બિયારણ અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
​આર્થિક સહાય અને દેવા માફી: અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે અને વાવણીથી કાપણી સુધીના ખર્ચ પેટે પ્રતિ વીઘે ₹15,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવે.
​વીજપોલના ભાડાની નવી શરત: ખેતરોમાં બળજબરીથી વીજપોલ નાખતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો મરજી વિરુદ્ધ પોલ ઊભા કરાય, તો પ્રતિ પોલ ₹1 લાખનું માસિક ભાડું ચૂકવવામાં આવે.
​”સરકાર તાત્કાલિક ડીઝલ પરનો ટેક્સ સંપૂર્ણ માફ કરે અને રાજ્યના ૫૩ લાખ ખેડૂતોને પડતર કિંમતે ડીઝલ પૂરું પાડે, નહીંતર આગામી દિવસોમાં ખેડૂતો પોતાના હક માટે ઉગ્ર આંદોલન કરતા અચકાશે નહીં.” > – ભરતસિંહ વાળા (પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *