ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર
જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા જળસંચય અભિયાનને વધુ વેગ મળ્યો છે. જળ સંચય અભિયાન-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાના વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવકાર મંત્રના જાપ અને “ભારત માતા કી જય”ના નારા સાથે કામગીરીનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓ જિગ્નેશ શાહ, શરદ શેઠ, નવીન કોઠારી, જયેશ મહેતા અને મગન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વડાલિયા સિહણ ગામના સરપંચ જયરાજસિંહ જાડેજા, કજુરડા ગામના સરપંચ પુન્યાભાઈ, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
આ અભિયાન અંતર્ગત રોટરી ક્લબ-જામનગર અને BJS સંલગ્ન જૈન સંગઠન ફાઉન્ડેશન-જામનગર દ્વારા ગામડાઓમાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થાના સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કજુરડા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે વડાલિયા સિહણ ગામમાં દાતાઓના સહકારથી નવા પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે.
આયોજકોના જણાવ્યા મુજબ વરસાદી પાણી દરિયામાં વ્યર્થ વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળી શકે છે. સરકારની આર્થિક સહાય વગર સંપૂર્ણપણે સ્વભંડોળ અને લોકભાગીદારીના આધારે હાથ ધરાયેલા આ જળસંચય કાર્યથી કરોડો લીટર વરસાદી પાણીનો સંગ્રહ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનું સ્તર સુધરવાથી ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય ગ્રામજનોને લાંબા ગાળે સીધો લાભ મળશે. જળસંચય સાથે પર્યાવરણ સંરક્ષણ અને પાણી બચત અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ પણ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે.
