Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત, પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા –


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પ્રચાર માટેના વાહનો રજિસ્ટર કરાવવા ફરજિયાત

જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત તા. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી સબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્‍ટની સંમતિથી બીજા કોઇ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તથા ચૂંટણી નિષ્પક્ષ અને ન્‍યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી, ઉમેદવારોના એકબીજા જૂથો વચ્‍ચે મનદુઃખ થાય વિગેરે સંભાવનાઓ વચ્ચે ચૂંટણી સરળ સંચાલનના હેતુથી અહીંના અધિક જિલ્લા મેજિસ્‍ ટ્રેટીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

        જેમાં આ સમગ્ર વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્‍થા, ચૂંટણીના ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇપણ વ્યક્તિ દ્વારા કોઇપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના સબંધિત ચૂંટણી અધિકારી પાસે રજિસ્‍ટર્ડ કરાવવાના રહેશે. આ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્‍ડ સ્‍ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન મતદાર વિભાગના કયા વિસ્‍તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્‍પષ્‍ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. સબંધિત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્‍યા સિવાય અને વાહન રજિસ્‍ટર કરાવ્‍યા સિવાય કોઇપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્‍ય કોઇપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ હુકમ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્‍યાં સુધી અમલમાં રહેશે.                                

મીડિયામાં જાહેરાત પ્રસારિત કરવા મંજૂરી મેળવવી આવશ્યક

      જામ ખંભાળિયા, તા. ૫: ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિકસ મીડિયા માધ્યમથી પ્રચાર સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતરરાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કાયદો અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલી આચારસંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઇપણ વ્યક્તિ કોઇ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહીં. જાહેરાતો કોઇ ધાર્મિક કે રાજકીય હેતુ પ્રત્યે દિશા નિર્દેશ કરતી હોવી જોઇએ નહીં તેવી જોગવાઇ છે. ભારતના ચૂંટણીપંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઇ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરૂધ્ધમાં કે ચૂંટણીપંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ વિરૂધ્ધ કોઇપણ ચૂંટણી વિષયક જાહેરાત ઇલેકટ્રોનિકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સુપ્રિમ કોર્ટે આદેશાત્મક જોગવાઇ કરેલ છે. તેમજ ભારતના ચૂંટણીપંચ દ્વારા વખતો વખત સૂચનાઓ થયેલ છે. 

      આ સૂચનાઓની ચુસ્તપણે અમલવારી સુનિશ્ચિત કરવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી આ સમગ્ર વિસ્તારમાં ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. બીજી કોઇ વ્યક્તિ અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ સબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી સબંધિત ચૂંટણી અધિકારીને કરવાની રહેશે. આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઇન્‍સર્શન્‍સ સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્‍સર્શન્‍સ માટે વસૂલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલીવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાત સુચિત પ્રસારણનું અંદાજિત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શકયતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે.

    જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યક્તિએ આપી હોય તો તે વ્યક્તિ સોગંદ ઉપર જાહેર કરશે કે તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી અને ઉકત જાહેરાત કોઇ રાજકીય પક્ષ અથવા ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી તેની ચૂકવણી કરી નથી. બધી ચૂકવણી એકાઉન્ટ પેઇ ચેકથી કરવામાં આવશે એવી કબૂલાત વિગેરેનો સમાવેશ કરવાનો થશે.

      ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઇર્ન્સશન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઇર્ન્સશન્સ, બાઇટસનું પ્રસારણ થઇ શકશે નહી. ચૂંટણી કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે.

ચૂંટણી સંબંધી ચોપાનીયા, ભીંતપત્રો સહિતના મુદ્રણ અને પ્રકાશન અંગે જાહેરનામું

જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, વિગેરેના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જે અનુસાર કોઇ પણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં. અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં અને આવા હોર્ડીંગ્સની સાઈઝ 15 ફૂટ*8 ફૂટ તથા કટઆઉટની સાઇઝ 8 ફૂટથી વધવી જોઈએ નહીં. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવાની વ્યવસ્થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતું. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દતના તે પ્રમાણે અર્થ થશે.

      છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખના નિયત નમૂનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે. છાપકામની કોઇપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચરિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઇએ નહીં.

ઇલેકટ્રોનિક માધ્યમોને કાર્યક્રમની સી.ડી.રજૂ કરવા જાહેરનામું

   જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહ, રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વિગેરે ઇલેકટ્રોનિક માધ્યમના પ્રસારણની સીડી જમા કરાવવા આદેશ કરાયો છે, જે અનુસાર માધ્યમ દ્વારા પ્રત્યેક દિવસના સવારના 6 થી બીજા દિવસના સવારના 6 સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના 10:30 વાગ્યા સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારીને રૂબરૂ પહોંચાડી, સીડી પહોંચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે 24 કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવાની રહેશે તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુકત નોડલ અધિકારી તથા સબંધિત ચૂંટણી અધિકારીએ પણ જરૂરિયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવાની રહેશે.

હોસ્‍પિટલો, શૈક્ષણિક સંસ્‍થાઓ અને ધાર્મિક સ્‍થળોની નજીક ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ

    જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સંદર્ભે ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના મુજબ ચૂંટણી અનુસંધાને મતદાર વિભાગમાં કોઇપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇ રાજકીય પક્ષ કે કોઇપણ વ્‍યક્તિ કે સંસ્‍થાને ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્‍તારમાં તેમજ કોઇપણ માન્‍ય શૈક્ષણિક સંસ્‍થા કે હોસ્‍પિટલ તેમજ ધાર્મિક સ્‍થળની લગોલગ ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને અને શ્રધ્‍ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્‍યવસ્‍થા થવાની તથા જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્‍યવસ્‍થા ઉપર વિપરીત અસર પડવાની શકયતા રહે છે. રાજય ચૂંટણી આયોગ દ્રારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્‍ધ કરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

      જેમાં ચૂંટણી હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલા મતદાન મથકથી 200 મીટરના વિસ્‍તારમાં તેમજ કોઇપણ માન્‍ય શૈક્ષણિક સંસ્‍થા, હોસ્‍પિટલ તેમજ ધાર્મિક સ્‍થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉપરોકત હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્‍બોલ કે ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઇપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનઅધિકૃત કબજો કે દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહીં. સ્‍થાનિક સતામંડળના જે કોઇ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે.

ભાષણ, ચાળા પાડવા જેવી કોઇ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ

    જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી દરમ્‍યાન સમગ્ર જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કોઇ વિક્ષેપો ઉભા ન થાય તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે અને જાહેર સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવવા માટે રાજય ચૂંટણી આયોગ દ્રારા બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઇઓની અમલવારી માટે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્‍ધ કરી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્‍તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્‍લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય છટાદાર ભાષણ આપવાની, ચાળા કરવાની અને તે ચિત્રો,તે નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો ફરમાવ્‍યો છે.

ચૂંટણી સરઘસ કે રેલીમાં 10 થી વધુ વાહનો હંકારવા પર પ્રતિબંધ

     જામ ખંભાળિયા, તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જેમાં ઉમેદવારીપત્રો ભરવા માટેની અલગ સૂચનાઓ સિવાય ચૂંટણી સબંધી કોઇ સરઘસ કે રેલી કે કાફલા કે સમુહમાં કોઇ કાર્યક્રમમાં દસ કરતા વધુ વાહનો (ઉમેદવાર કે રાજકીય પક્ષોને સુરક્ષા માટે ફાળવેલ સિવાયના વાહનો) રાખી શકાશે નહીં કે હંકારી શકાશે નહીં. તમામ પ્રકારના સરકારી, અર્ધસરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ. 

મતદાર મથકની 200 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં કોઈપણ બુથ ઊભું કરી શકાશે નહીં

જામ ખંભાળિયા, તા. ૦૫: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા ઉભા કરવામાં આવતા બુથોને લગત કેટલીક બાબતમાં વિવિધ નિયંત્રણો માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાનાં વિસ્તારમાં ચૂંટણીપ્રચાર વગેરે સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના, ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી 200 મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકશે અને આવા મંડપને આડાશ લગાવી શકાશે નહી. આ દિવસે મતદાન મથકની 100 મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણી સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહી. મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુધ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી, દોરવી શકાશે નહી કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહી. મતદાનના દિવસે ઉમેદવાર કે રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ અધિકારી, કર્મચારીઓને તથા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, પેરામીલેટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો સિવાય કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાન દિવસના સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમય દરમ્યાન પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

       ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *