જામ ખંભાળિયા, તા. ૨૭: ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ ધુઘા, ઇબ્રાહીમ હાસમ ઘુઘા અને ઈસ્માઈલ અલીભાઈ ઘુઘા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 20,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર તાલુકાના કનકપર ગામના સ્મશાન પાસેથી એલસીબી પોલીસે કારા અજા અસવાર, દામજી રામજી નકુમ અને દીપક પ્રવિણચંદ્ર પંડ્યા નામના ત્રણ શખ્સોને રૂ. 10,300 ના મુદ્દામાલ સાથે રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં ભલાભાઈ વેજાભાઈ ભરવાડને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
દ્વારકા પોલીસની અન્ય કાર્યવાહીમાં બસ સ્ટેન્ડ પાસેથી પ્રેમ બહાદુર બીસ્ટ અને પંકજ જયબહાદુર બીસ્ટ નામના બે શખ્સો તેમજ અન્ય કાર્યવાહીમાં ઇન્દ્રજીતસિંહ વેરશીભા માણેક અને અમરસિંહ માયાભા માણેક નામના બે શખ્સો ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આ જ રીતે કીર્તિ સ્તંભ પાસેના રોડ પરથી ગંભીરસિંહ બચુભા ચુડાસમા અને ઇશાક ઈબ્રાહીમ બોલીમને પણ પોલીસે એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.
_____________________________________________________________________________
ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર
જામ ખંભાળિયા, તા. ૨૭: ભાણવડથી આશરે 26 કિલોમીટર દૂર ધામણીનેસ વિસ્તારમાં આવેલી બાવળની ઝાળીમાં આ જ વિસ્તારના રહીશ ભીમા પરબત રબારી નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતા પોલીસે આ ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી કરી હતી.
આ સ્થળેથી પોલીસે દારૂ બનાવવાનો 2,600 લીટર આથો, તાંબાની નળી વિગેરે મળી કુલ રૂપિયા 81 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આરોપી ભીમા પરબત રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે ભાણવડ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
