Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની આવતીકાલે ચૂંટણી: પ્રમુખ પદે ગૌરીબેન હાથીયા નિશ્ચિત


– જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો થશે બિનફરીફ –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૫-૨૦૨૬

      દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતમાં આ વખતે સૌથી વધુ નોંધપાત્ર બેઠકો સાથે ભાજપ વિજેતા બન્યો છે. ત્યારે આવતીકાલે શનિવારે યોજનારી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ગૌરીબેન હાથીયા નિશ્ચિત છે. આ સાથે ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની નિયુક્તિ પણ બિનહરીફ થનાર હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

      દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં 22 પૈકી સૌથી વધુ 18 બેઠક સાથે ભાજપે નોંધપાત્ર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ત્રણ અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર વિજેતા બન્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટેના નવા હોદ્દેદારોની નિયુક્તિ માટે આવતીકાલે શનિવાર તા. 23 મીના રોજ બપોરે 12 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા કલેકટર આર.એમ. તન્નાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

      આ વચ્ચે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં આગામી ટર્મના પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિ મહિલા અનામત હોય, જિલ્લામાં એકમાત્ર ઉમેદવાર એવા દ્વારકા વિસ્તારના બરડીયા બેઠકના ગૌરીબેન જેઠાભાઈ હાથીયા જ વિજેતા બન્યા હોય, આગામી અઢી વર્ષ માટે ગૌરીબેન હાથીયા પ્રમુખ તરીકે નિશ્ચિત છે. આજરોજ શુક્રવારે હોદ્દેદારોના નામ માટેના નામાંકન ભરવાનો દિવસ હોય, જિલ્લા પંચાયત કચેરી ખાતે ફક્ત ભાજપના જ હોદ્દેદારો માટેના ફોર્મ આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ જે.કે. હાથીયાના ધર્મપત્ની ગૌરીબેન જેઠાભાઈ હાથીયા, ઉપપ્રમુખ તરીકે ચીમનભાઈ દેવશીભાઈ નકુમ, કારોબારી ચેરમેન તરીકે રંજનબેન કશ્યપભાઈ આહીર, પક્ષના નેતા તરીકે જયેશભાઈ કરસનભાઈ જેઠવા અને દંડક તરીકે કનુભાઈ પરબતભાઈ વરુના નામ ભાજપ દ્વારા જાહેર કરાયા છે.

       જ્યારે તેમની સામે અન્ય કોઈ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી નથી. આમ, આવતીકાલની બેઠકમાં આ તમામ પાંચ હોદ્દેદારો ફાઇનલ બની રહે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ભાજપના આ તમામ પાંચ હોદ્દેદારોના નામ નક્કી થતાં હવે આવતીકાલે યોજાનારી બેઠકમાં બાકીની ફોર્માલિટી પૂરી થશે તેવું જોવા મળી રહ્યું છે.

      અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 થી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયો અને જિલ્લા પંચાયતમાં પક્ષ-વિપક્ષની તદ્દન પાતળી સરસાઈ વચ્ચે ખેંચતાણ જેવી પરિસ્થિતિ બની રહી હતી. ત્યારે આ વખતે પ્રથમ વખત 18 બેઠક સાથે ભાજપની સ્પષ્ટ બહુમતી છે. જેથી આગામી પાંચ વર્ષમાં કોઈ સખળ-ડખળ સર્જાશે નહીં તેવું જાણકારો માની રહ્યા છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *