Headlines

દ્વારકામાં ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ


જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે દ્વારકા દર્શનાર્થે આવનાર યાત્રિકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની અને સ્નાન કરતી મહિલાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવવાની શક્યતાને કારણે ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ મૂકવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

      જેમાં દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદી પર સંગમ નારાયણ મંદિરથી જુના ગોમતી ઘાટ તથા નવા ગોમતી ઘાટ, કિર્તીસ્તંભથી દ્વારકાધિશ મંદિર પાર્કિંગ સુધી તથા ગોમતી નદીની સામા કિનારે લક્ષ્મીનારાયણ પંચ નંદ તીર્થ (પંચકુઈ) મંદિરના નજીકના કિનારાથી 100 મીટર ત્રિજ્યાથી લઈ ગોમતી નદીનો પ્રવાહ સમુદ્રમાં મળે ત્યાં સુધી ગોમતી નદીના બંને કિનારે તમામ પ્રકારની બોટ કે હોળી તથા પગડીયા માછીમારો દ્વારા માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 23 જુલાઈ સુધી અમલમાં રહેશે.

_____________________________________________________________________________

દ્વારકાધીશ મંદિર આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ અને સેવન પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકામાં આવેલા જગતમંદિર ખાતે આવતા યાત્રાળુઓના આરોગ્ય પર તમાકુયુક્ત નશીલા પદાર્થોના વેચાણના કારણે અપ્રત્યક્ષ અસર થતી જોવા મળે છે. આ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો દ્વારા પાન-મસાલા, તમાકુ, ગૂટખાનું સેવન કરી મંદિર પરિસર તથા તેના આજુબાજુના વિસ્તારોમાં થુંકીને ગંદકી ફેલાવાનું ધ્યાને આવતાં તેને કારણે પોલીસ અધિક્ષક દ્વારા કરાયેલી દરખાસ્ત અન્વયે દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કરી, દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યા સુધીના વિસ્તારમાં પાન-મસાલા, તંબાકુ, ગૂટખા, સિગારેટ વગેરેના વેંચાણ, ખરીદી અને સેવન પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ જાહેરનામું તા. 23 જુલાઈ સુધી અમલમાં રહેશે.

_____________________________________________________________________________

જગત મંદિર આસપાસ ભિક્ષુકો તથા ફેરિયાઓ પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકાધીશ મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા ભાવિકોને ધ્યાને લઈ મંદિરની આસપાસના વિસ્તારમાં ભિક્ષુકો તથા ફેરિયાઓના કારણે ભાવિકોને અવરજવર કરવામાં મુશ્કેલી, ભક્તિમય વાતાવરણમાં વિક્ષેપ, સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ, ટ્રાફિક તથા વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય તે માટે અને ફેરિયા અને ભિક્ષુકોની આડમાં ચોરી અને લુંટ થતી રોકવા જિલ્લા પોલીસ વડા દ્વારા મંદિરની આસપાસ ભિક્ષુકો તથા ફરતા ફેરીયાઓ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

જે મુજબ દ્વારકાધીશ મંદિરની 100 મીટરની ત્રિજ્યામાં ભિક્ષુકો તથા ફરતા ફેરિયાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. 23 જુલાઈ સુધી અમલમાં રહેશે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *