– અનેક મહાનુભાવોની રહેશે ખાસ ઉપસ્થિતિ –
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬
ખંભાળિયામાં આવેલી શહેરની પુરાતન અને ઐતિહાસિક એવી સુપ્રસિદ્ધ શ્રી ગોપાલજી વાલજી જેરાજાણી (જી.વી.જે. હાઈસ્કૂલ) માં આગામી રવિવાર તારીખ 31 મી ના રોજ બે અલગ અલગ પુસ્તકોનું વિમોચન કરવાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના વયોવૃદ્ધ અને દીર્ઘદ્રષ્ટા વિદ્વાન ડો. વી.કે. નકુમ દ્વારા રચવામાં આવેલા બે પુસ્તકો “જી.વી.જે. હાઈસ્કુલ સોવેનીયર” અને “ખંભાળિયાના મહાનુભાવો, વ્યક્તિ વિશેષ પ્રતિભાઓ” ને રવિવારે જી.વી.જે. હાઈસ્કૂલ પુરાતન ઈમારત હિત રક્ષક સમિતિના ઉપક્રમે વિમોચિત કરવામાં આવશે.
અહીંના જી.વી.જે. હાઈસ્કૂલ મધ્યસ્થ ખંડ ખાતે રવિવારે સવારે 10 વાગ્યે યોજવામાં આવેલા આ ખાસ આયોજનમાં જામનગરના આણદાબાવા આશ્રમના સંત પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આ પ્રસંગે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ તથા ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી પરિમલભાઈ નથવાણી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ કણજારીયા, પૂર્વ જસ્ટિસ શ્રી પ્રદીપભાઈ ભટ્ટ, ઉદ્યોગપતિ અમૃતલાલ ભારદીયા, શ્રી લેફટન્ટ ડો. સતીશચંદ્ર વ્યાસ, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, કમલેશભાઈ વસાવડા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.
આ ભવ્ય સ્કૂલનું તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ પણ કરવામાં આવ્યું છે. ખંભાળિયા શહેરની શાન સમાન આ સરકારી જી.વી.જે. હાઈસ્કૂલ ખંભાળિયાના જૂની પેઢીના પીઢ વ્યક્તિઓ માટે ગૌરવ રૂપ તેમજ શહેર માટે આગવી ઓળખ સમાન સાબિત થઈ ચૂકી છે.
આ સુંદર આયોજન માટે શ્રી જી.વી.જે. હાઈસ્કૂલ પુરાતન ઈમારત હિત રક્ષક સમિતિના પ્રમુખ ડો. વી.કે. નકુમ, સેક્રેટરી મનુભાઈ પાબારી, ઉપપ્રમુખ ધીરેનભાઈ બદિયાણી, પ્રોજેક્ટ ચેરમેન ઇન્દ્રજીતસિંહ પરમાર વિગેરે દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
