ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજા દ્વારા નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બાતમીદારો કાર્યરત કરવામાં આવ્યા હતા.
એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, ભીમાભાઇ ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ જેઠાભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે જયદીપ બાબુભાઈ ચાવડા નામનો વ્યક્તિ સૂકા ગાંજાનો જથ્થો લાવ્યો છે. આ જથ્થા સાથે તે જુબેલી ચાર રસ્તા પાસે ખાડી કાંઠે જોશી સાયકલ સ્ટોરની પાછળ રહેતા નારણભાઈ વરજાંગભાઈ વાજાના મકાને હાજર છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં રેઇડ પાડતા ત્યાંથી જયદીપ બાબુભાઈ ચાવડા અને નારણભાઈ વરજાંગભાઈ વાજા મળી આવ્યા હતા.
તલાશી દરમિયાન પોલીસને ૨૬૨ ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ૧૩,૧૦૦ રૂપિયા થાય છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ૫૦૦ રૂપિયાની કિંમતનો ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને ૨,૫૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે કુલ ૧૬,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓમાં ૨૮ વર્ષીય જયદીપ બાબુભાઈ ચાવડા ગીતાનગર સોસાયટી છાંયાનો રહેવાસી છે, જ્યારે ૬૬ વર્ષીય નારણભાઈ વરજાંગભાઈ વાજા પોરબંદરના જુબેલી ચાર રસ્તા વિસ્તારનો રહેવાસી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. જાડેજા સાથે એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દીપકભાઈ ડાકી, રવિન્દ્ર ચાંઉ, ભરતસિંહ ગોહીલ, હરદાસભાઇ ગરચર, ભીમાભાઇ ઓડેદરા, મોહિતભાઈ ગોરાણીયા, અરજનભાઈ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઇ મોઢવાડીયા અને ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.
