‘નિર્ભય થઈને મતદાન કરો, પોલીસ તમારી સુરક્ષા માટે સજ્જ છે’: કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની સજ્જતા અંગે મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને મતદારો કોઈપણ પ્રકારના ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
એસપી ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાના આંકડા આપતા જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૪૫૦ મતદાન મથકો અને ૨૫૫ બિલ્ડિંગો પર ચૂંટણી યોજાનાર છે. આ તમામ સ્થળોએ સુરક્ષાના હેતુથી ૩ ડીવાયએસપી, ૧૨ પીઆઈ, ૩૬ પીએસઆઈ સહિત ૬૭૭ પોલીસ જવાનો અને ૭૫૪ હોમગાર્ડ-જીઆરડીના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના બંદોબસ્તને ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેનું સીધું સુપરવિઝન ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ કરશે. ૨૬ જેટલી સેક્ટર પોલીસ મોબાઈલ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
જિલ્લા પોલીસ વડાએ પોરબંદરના મતદારોને ખાસ અપીલ કરતા કહ્યું કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બિલકુલ સામાન્ય છે. કોઈપણ નાગરિકે ભય રાખવાની જરૂર નથી. તેમણે લોકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. અસામાજિક તત્વો સામે પણ પોલીસ દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હોવાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુરક્ષિત રીતે સંપન્ન થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
