જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬
દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા લાલાભા મેઘાભા કીટાણી નામના 38 વર્ષના યુવાન સામે નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને સુત્રાપાડાના નામદાર મેજિસ્ટ્રેટ શ્રી આર એમ. ચાવડાની કોર્ટ દ્વારા ઉપરોક્ત આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂપિયા 7,86,138 નો દંડ તથા જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત આરોપી ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોય, જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફના હરદાસભાઈ મોવર અને અશોકભાઈ સવાણીને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને હમુસર ગામે ઝાડી ઝાંખરામાં છૂપાઈને ફરતા ઝડપી લઈ, આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
