ચૂંટણીને ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સઘન કામગીરી
ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ સજ્જ બન્યો છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રેન્જના જિલ્લાઓમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશોના પગલે જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે જ ગુનાખોરી ડામવા અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીની કામગીરીમાં પોલીસને મોટી સફળતા મળી છે અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચૂંટણીલક્ષી આ કામગીરીની વિગતો મુજબ, આચાર સંહિતાના અમલથી અત્યાર સુધીમાં જુનાગઢ રેન્જમાં વિવિધ કલમો હેઠળ કુલ ૬૫૪૫ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં બીએનએસએસની કલમ ૧૨૬, ૧૭૦, ૧૩૫, ૧૨૮, ૧૨૫ સહિત પ્રોહિબિશન અને પાસા તથા તડીપાર જેવી કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. હથિયારબંધીના અમલ માટે રેન્જમાં કુલ ૧૮૭૪ પરવાના ધરાવતા હથિયારો પૈકી ૧૬૫૯ હથિયારો જમા કરી લેવાયા છે, જ્યારે ૨૧૩ હથિયારો જપ્ત કે રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. હાલ સમગ્ર રેન્જમાં માત્ર ૨ હથિયારો જમા કરવાના બાકી રહ્યા છે.
ગુનેગારોને પકડવાની દિશામાં પણ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. રેન્જમાં કુલ ૧૪૮૦ બિન જામીનપાત્ર વોરંટ પૈકી ૧૧૪૨ વોરંટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા સમયથી નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરનાર ૧૫ આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. દારૂબંધીના કડક અમલ હેઠળ અત્યાર સુધીમાં ૩૮૮૪ લીટર દેશી દારૂ જેની કિંમત ૭,૭૬,૮૦૦ રૂપિયા અને ૧૫,૯૦૧ બોટલ વિદેશી દારૂ જેની કિંમત ૪૮,૪૭,૦૪૨ રૂપિયા થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. આમ, કુલ ૫૬,૨૩,૮૪૨ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ૨૦૭ હિસ્ટ્રીશીટરની તપાસ કરવામાં આવી છે. બુટલેગરો અને જુગારીઓ વિરુદ્ધ ૬૪ સફળ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે રેન્જના વિવિધ જિલ્લાઓમાં ૨૩ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પરથી અત્યાર સુધીમાં ૧૪,૭૬૫ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે.
