વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૦
શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોડી સાંજે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

મળતી માહિતી મુજબ ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણ નામના યુવાન જ્યારે ગંગાજળિયા તળાવ થી દરબારી કોઠાર તરફ જવાના માર્ગ પર આવેલા હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચાર શખ્સોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરોએ પૂર્વઆયોજિત કાવતરા મુજબ છરી અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુસેનભાઈ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ઘટનાને પગલે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત હુસેનભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ ની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
