જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬
ગોપાલક માલધારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે આયોજિત પાંચમા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 42 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા આ સમૂહ લગ્ન ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ માતાઓ–બહેનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.

આ સમૂહ લગ્ન ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પી.એસ. જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભરવાડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજના અગ્રણી વલ્લભભાઈ સોનગરા, ભાટિયાના સરપંચ આલાભાઈ માતંગની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ભરવાડ સમાજના ભામાશા જેમણે થરા મુકામે 3001 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સમાજસેવામાં અનોખું ઉદાહરણ સ્થાપ્યું છે, એવા સ્વ. બેચરબાપાના પુત્ર વિનુભાઈ ગમારા અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહ લગ્ન ઉત્સવમાં વિશેષરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા આગેવાન રાજુભાઈ ભરવાડને જિલ્લા મહામંત્રી તરીકેની જવાબદારી મળતા કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ તથા શ્રી ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેમનું ભરવાડી બંડી, પરંપરાગત પાઘડી અને ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન તમામ 42 નવદંપતીઓને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
(ફોટો: કુંજન રાડિયા)

