મુકેશ પંડિત, ઈશ્વરીયા
ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી ઉજાણીનો આનંદ માણ્યો હતો.
શાળાના આચાર્ય કિશોરભાઈ ઢેઢીના માર્ગદર્શન હેઠળ અને શિક્ષક પ્રકાશભાઈ પંચાલના સુવ્યવસ્થિત આયોજનથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. સમગ્ર શિક્ષકગણના સંકલનથી યોજાયેલા આ પ્રકલ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને બજારના વ્યવહારોની સમજ કેળવાઈ હતી. શિક્ષણની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવતા આ નવતર પ્રયોગને ગ્રામજનો અને વાલીઓએ બિરદાવ્યો હતો.
