Headlines

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર 

ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે ગામના રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

​ભ્રષ્ટાચાર અને આપખુદશાહીના ગંભીર આક્ષેપો

​અવિશ્વાસની દરખાસ્તની નોટિસમાં સરપંચ ગૌતમ બારૈયા વિરુદ્ધ અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે:

​વિકાસકામોમાં ગેરરીતિ, ૧૫માં નાણાં પંચના કામોમાં વર્ક ઓર્ડર મુજબ કામ ન કરવા અને મફતનગર-૧ વિસ્તારમાં સીસી રોડની સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ ખરાબ ક્વોલિટીના રોડ પર બ્લોક બેસાડી ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે.

​સત્તાનો દુરુપયોગ, જાહેર રસ્તાઓને બદલે વ્યક્તિગત માલિકીના પ્લોટમાં આશરે ૫૦૦ વારના વિસ્તારમાં બ્લોક ફિટિંગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવાયું છે.

​સભ્યોની અવગણના, એ.ટી.વી.ટી. ગ્રાન્ટ અને સાઈટ પ્લાનમાં સભ્યોની મંજૂરી વિના જ મનસ્વી રીતે ફેરફાર કરી ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો દરખાસ્તમાં છે.

​ધમકી અને ડરનું વાતાવરણ છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયા અને અન્ય જાગૃત નાગરિકો જ્યારે પ્રશ્નો પૂછે છે, ત્યારે તેમને એટ્રોસીટીના કાયદાનો ડર બતાવી અથવા ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસનો ભય બતાવી અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોવાનું સભ્યોએ લેખિતમાં જણાવ્યું છે.

​લાંચની માંગણી, અવેડાના કામો પૂર્ણ થયા હોવા છતાં, એજન્સીઓ પાસેથી લાંચની માંગણી કરી નાણાં અટકાવી રાખ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

​ગણિત અને બહુમતીની રસાકસી

​નવા રતનપર પંચાયતનું સંખ્યાબળ અત્યારે ભારે રસાકસી ભરેલું છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હોય છે.

​વિરોધ પક્ષ (દરખાસ્ત લાવનારા): ઉપસરપંચ ધર્મેશભાઈ બારૈયાની આગેવાનીમાં કુલ ૬ સભ્યો છે, જેમાં પ્રવીણભાઈ મકવાણા, મેહુલભાઈ બારૈયા, કવિતાબેન ગોહિલ, હર્ષાબેન બારૈયા અને મંગુબેન ગોહિલનો સમાવેશ થાય છે.

​સરપંચ પક્ષ: સરપંચ ગૌતમભાઈની સાથે હાલમાં ૩ સભ્યોનું પીઠબળ છે.

​નિર્ણાયક સ્થિતિ: દરખાસ્ત પસાર કરવા માટે ૬ સભ્યોને હજુ પણ ૧ વધારાના સભ્યના સમર્થનની જરૂર છે. જો સરપંચના પક્ષમાંથી એક પણ સભ્ય અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મતદાન કરે, તો સરપંચની ખુરશી જવી નિશ્ચિત છે.

​તંત્રની સજ્જતા

​આજની આ કાર્યવાહી માટે તાલુકા પંચાયત પ્રમુખ અને ટી.ડી.ઓ. દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્તની પણ શક્યતા છે. ગામના હિતમાં અને ભ્રષ્ટાચારી શાસનથી મુક્તિ મેળવવા માટે આ દરખાસ્ત લાવવામાં આવી હોવાનું સભ્યોએ નમ્ર અપીલમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *