વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આવેલી કચેરીમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ અથવા વાલીઓ પરીક્ષા સંબંધી કોઈ પણ મૂંઝવણ કે માર્ગદર્શન માટે સવારે ૭:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા દરમિયાન કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે. બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર, અહીં અલગ-અલગ શિફ્ટમાં નિષ્ણાત સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.જિલ્લા કક્ષાએ સંપર્ક કરવા માટે ૦૨૭૮-૨૪૨૬૬૨૯ અથવા ૮૧૪૧૫૪૭૭૧૨ (જે.વી. સોલંકી) પર ફોન કરી શકાશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પણ જાહેર કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને પરીક્ષાના તણાવ અને માનસિક મૂંઝવણ દૂર કરવામાં સહાયક બનશે.
ઓનલાઇન માર્ગદર્શનની સુવિધા
પરીક્ષાર્થીઓની સુવિધા માટે વિષયવાર ઈ-મેઈલ એડ્રેસ પણ જાહેર કરાયા છે. ધોરણ-૧૦ (SSC) માટે ssc10exam@gmail.com, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે gsebhscscience2025@gmail.com અને સામાન્ય પ્રવાહ માટે hsck1gseb@gmail.com પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ઉપલબ્ધ છે.
