Headlines

બેટ દ્વારકાધીશ મંદિર ખાતે 465 વર્ષથી દોલોત્સવની અવિરત પરંપરા

– રાજાધિરાજ દ્વારકાધીશજીને અર્પણ થશે વિશેષ ફગવા ભોગ –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬

    બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફૂલડોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય અને પારંપરિક ઉજવણી યોજાનાર છે. બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરત રીતે નિભાવવામાં આવી રહી છે.

       હોળી મહોત્સવ બાદ બુધવાર તા. 4 માર્ચના રોજ સવારે 11:30 થી બપોરે 12:30 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન યોજાશે.

      દ્વારકાધીશના ચલ સ્વરૂપ શ્રી ગોપાલજીને મધ્યાહ્ન ભોગ અર્પણ કર્યા બાદ દોલોત્સવ માટે સુંદર રીતે સજાવેલા ઝુલામાં પધરાવવામાં આવશે. આ પ્રસંગે ચાંદીની પિચકારીમાં કેસુડાનું રંગ ભરી મંદિરના મુખ્યાજીઓ દ્વારા અબીલ-ગુલાલ સાથે ઠાકોરજી સંગ દોલોત્સવ રમી ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરવામાં આવશે.

    ઉત્સવ પૂર્ણ થયા બાદ ગોપાલજીને પુનઃ નિજમંદિરમાં પધરાવી રાજાધિરાજ દ્વારકાધીશજીને રાજભોગ અર્પણ કરાશે, જેને “ફગવા ભોગ” તરીકે ઓળખવામાં આવે છે. ભક્તજનો માટે આ પ્રસંગ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે.

        મંદિરના ઇન્ચાર્જ વ્યવસ્થાપક દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ ગુરુવાર તા. 5 માર્ચના રોજ દ્વિતીયા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, 8:00 વાગ્યે મોર આરતી, 11:00 વાગ્યે શૃંગાર આરતી તથા બપોરે 1:30 વાગ્યે ઠાકોરજીને મીઠા જળ વિધિ યોજાશે, ત્યારબાદ મંદિર બંધ રહેશે. સાંજે 4:30 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 8:00 વાગ્યે શયન દર્શન થશે.

      સુદર્શન સેતુના નિર્માણ પછી બેટ દ્વારકામાં રોડ માર્ગે આવજાવ સરળ બનતાં યાત્રાળુઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. હોળી અને દોલોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

       ઇતિહાસ મુજબ વિક્રમ સંવત 1617 માં જામ રાવળજી દ્વારા મંદિર નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આજદિન સુધી અહીં દોલોત્સવની પરંપરા અવિરત રીતે ઉજવાઈ રહી છે. આવતા દિવસોમાં દોલોત્સવ નિમિત્તે બેટ દ્વારકાધીશ મંદિર ભાવિકોની ભક્તિભાવથી ગુંજી ઊઠશે.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *