જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬
દ્વારકાના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પગપાળા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓની સેવામાં ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ સતત ચોથા વર્ષે જોડાયું હતું.
કાળઝાળ ગરમીમાં સેંકડો કિ.મી. અંતર કાપીને અહીંથી પસાર થતા પદયાત્રીઓને થતી શારીરિક પીડામાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા સતત પાંચ દિવસ સુધી નિઃશુલ્ક મસાજર મશીન દ્વારા મસાજ, પેઈન રિલીફ ટ્યુબ અને સ્પ્રેની સેવા શરૂ કરવામાં આવી હતી.
પદયાત્રા દરમિયાન સ્નાયુઓ જકડાઈ જવા કે પગના સોજા જેવી સમસ્યાઓ માટે ટ્રસ્ટના સ્વયંસેવકોએ માર્ગ પર જ ખડેપગે સેવા આપી હતી. આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, “અબોલ જીવોની સેવાની સાથે માનવસેવા એ જ સાચી જીવદયા છે.” શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ બને તેવા આશય સાથે ટ્રસ્ટના અનેક સેવાભાવી યુવાનો આ સેવાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.



