Headlines

ખંભાળિયામાં રવિવારે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ

– 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે –

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬

     ખંભાળિયાના શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ રામાનંદી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

       આ પ્રસંગે આગામી રવિવારે અત્રે ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજવામાં આવેલા આ સમૂહ લગ્નોત્સવમાં જ્ઞાતિના 11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ સમૂહ લગ્નમાં રવિવારે સવારે છ વાગ્યે જાન આગમન, સાડા સાત વાગ્યે વરરાજાના સામૈયા બાદ હસ્તમેળાપ અને ભોજન તથા કન્યા વિદાય સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

      આ સમૂહ લગ્નમાં સહભાગી થનારા નવદંપત્તિઓને દાતાઓ તથા જ્ઞાતિજનો દ્વારા અનેકવિધ નાની-મોટી ચીજ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ, અતિથિ વિશેષ તરીકે અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા અને શુભેચ્છક તરીકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહેશે.

     આ લગ્ન પ્રસંગે સંતો-મહંતો દ્વારા ખાસ ઉપસ્થિત રહીને નવદંપતિને શુભેચ્છાઓ પાઠવવામાં આવશે. આ સમગ્ર આયોજન માટે શ્રી રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *