– દર્દીને બેભાન કર્યા વગર નાક વાટે એનેસ્થેસિયા અપાયો –
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૪-૨૦૨૬
ખંભાળિયા ની સરકારી સિવિલ હોસ્પિટલમાં મુખના ઓપરેશન માટે આવેલા એક યુવા દર્દીને એનેસ્થેસિયા આપવાની કોમ્પ્લીકેટેડ કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આજરોજ 23 વર્ષના એક યુવાન કે જેનું મોઢું માત્ર એક આંગળ જેટલું જ ખુલતું હોય, આ અંગેની શસ્ત્રક્રિયા માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આ યુવાનના મોઢાના ઓપરેશનની જરૂરિયાત હોવાથી આજરોજ તેને એનેસ્થેસિયા આપીને ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.
સામાન્ય રીતે શીશી સુંઘાડવા માટે દર્દીને બેહોશ કરી અને મૂર્છિત કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના દર્દીને સાવધાન રહી, સુવ્યવસ્થિત રીતે સભાન અવસ્થામાં એટલે કે દર્દીને બેહોશ કર્યા વગર માત્ર તેને નાકથી ગળા સુધીનો ભાગ ખોટો કરીને દર્દીના સહકાર સાથે એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું.
અહીંની સરકારી હોસ્પિટલના એનેસ્થેસિસ્ટ તથા ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. કેતન જોશીના વડપણ હેઠળ ડો. નિરાલી ગોધાણી, ડો. ગૌરાંગ, ડો. નીરવ અને ડો. પાર્થ સાથે ડો. અન્સારી, બ્રધર દિનેશભાઈ, ગોવિંદભાઈ તેમજ તેમની ટીમ દ્વારા આ ઓપરેશન પ્રક્રિયામાં દરેક પગલું સાવધાનીપૂર્વક રાખીને સતત ચાર કલાક જેટલી જહેમત બાદ આ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના એનેસ્થેસિયા તમામ મેડિકલ કોલેજોમાં આપવામાં આવતા નથી. ત્યારે આ સમગ્ર ઓપરેશન પ્રક્રિયા ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલા રૂપ બની રહી છે.


(ફોટો: કુંજન રાડિયા)
