ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની તરસ છિપાવવા શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરાયું
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના ઉનાળાની આકરી ગરમીને ધ્યાને રાખીને શ્રીકૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌ માતા અને અન્ય પશુધન માટે પાણીની કુંડીઓ મુકવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ખાક ચોક, સન્યાસી આશ્રમ પાછળ, જાહેર પીર પાસે, ધોબી શેરી, કુંભારવાડા, દરનીયા રોડ, મિલપરા તેમજ ભાવસિંહજી હોસ્પિટલ અને જૂની કોર્ટના પરિસરમાં આ કુંડીઓ કાર્યરત કરવામાં આવી છે.
આ ઉમદા કાર્યમાં દાતાઓના આર્થિક સહયોગ સાથે રંજનબેન પાંઉ અને રમેશભાઈ દવે સહિત અનેક જીવદયા પ્રેમીઓએ સક્રિય ફાળો આપ્યો હતો. વધતા જતા તાપમાનમાં પશુઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા હેતુથી હાથ ધરાયેલી આ પ્રવૃત્તિને સ્થાનિકોએ બિરદાવી હતી. તમામ સહયોગીઓએ સાથે મળીને પશુઓની તરસ છિપાવવા માટે આ જનસેવાનું કાર્ય સફળ બનાવ્યું હતું.
