હરેશ જોશી, કુંઢેલી
ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવ સ્પેરો મુવમેન્ટ અભિયાન એક મહિના બાદ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી 20 માર્ચ વિશ્વ ચકલી દિવસના રોજ શરૂ થયેલું આ અભિયાન 19 એપ્રિલે વિરામ પામ્યું હતું. આ ઝુંબેશ વિશે પર્યાવરણ ચિતંક તખુભાઈ સાંડસુરે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં શિક્ષણ સાથે જોડાયેલા પર્યાવરણ પ્રેમી શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને 11,000 થી વધુ ચકલીઘરોનું વિતરણ કર્યું છે. જેમાં 5,000 ચકલીઘરોનું નિર્માણ ગુર્જરી શૈક્ષણિક પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના ચકલીઘરો વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યા હતા.
આ અભિયાનનો મુખ્ય હેતુ સિમેન્ટના આધુનિક ઘરો વચ્ચે લુપ્ત થતી ચકલીઓને આશરો આપવાની સાથે વિદ્યાર્થીઓમાં સંવેદના, દયા અને સદભાવ જેવા ગુણો કેળવવાનો હતો. સમગ્ર અભિયાનના સંયોજક તરીકે સંજયભાઈ પટેલ અને જિતુભાઈ જોશીએ મહત્વની સેવાઓ આપી હતી. ચકલીઘરોની સાથે લોકોએ પક્ષીઓ માટે પરબની પણ વ્યવસ્થા કરી હતી. આ મુવમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે અમદાવાદની નિલમણી મેટલ એન્ડ ટ્યુબ લિમિટેડ અને તેમના સાથી વસાવાએ મોટો આર્થિક અને સાધન સહયોગ પૂરો પાડ્યો હતો. આ લોકભાગીદારીથી આંગણાના પક્ષી ચકલીને બચાવવાનો પ્રયાસ રાજ્યભરમાં ખૂબ જ આવકારદાયક રહ્યો હતો. સંસ્થા દ્વારા આગામી સમયમાં પણ પર્યાવરણ રક્ષણની આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટેનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
