Headlines

[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર

ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું

વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય ઉજવણીઓ દરમિયાન વગાડવામાં આવતા ડીજેના કર્કશ અને ઘાતક અવાજ સાથેનો ઉન્માદ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શુભ પ્રસંગોએ સુમધુર સંગીત અનિવાર્ય હોઈ શકે છે, પરંતુ મર્યાદા બહારનો દેકારો અનેક પરિવારો માટે માતમનું કારણ બની રહ્યો છે. બિહારના સીતામઢીમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના આ ગંભીર પરિસ્થિતિનું જીવંત ઉદાહરણ છે. ત્યાં 22 વર્ષીય સુરેન્દ્ર કુમારના લગ્ન ચાલી રહ્યા હતા અને મંડપમાં વરમાળા પહેર્યા બાદ તરત જ અચાનક તેનું મોત નીપજ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર સુરેન્દ્ર કુમારનું મોત હૃદય રોગના હુમલાથી થયું હતું. પરિવારજનોએ પણ એવી આશંકા વ્યક્ત કરી હતી કે લગ્ન પ્રસંગે વાગી રહેલા ડીજેના તીવ્ર ઘોંઘાટને કારણે સુરેન્દ્ર કુમારના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતા અને ત્યારબાદ અચાનક હૃદય બંધ પડી જવાથી આ કરૂણ અંજામ આવ્યો હતો. એક તરફ લગ્નની ખુશીઓ હતી અને બીજી તરફ એક નવવધૂનો સુહાગ લગ્ન મંડપમાં જ આ ઘોંઘાટને કારણે છીનવાઈ ગયો, જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે.
ભારતમાં ઘોંઘાટના કારણે હાર્ટ એટેકથી દર વર્ષે હજારો લોકોના મોત થઈ રહ્યા છે. તીવ્ર અવાજ કે ધ્વનિ પ્રદૂષણ માત્ર હૃદય જ નહીં પરંતુ શરીરના અન્ય અંગો પર પણ ઘાતક અસર કરે છે. ઘોંઘાટના પગલે બ્લડ પ્રેશર, એન્ઝાઈટી અને અનિદ્રા જેવી બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે અંતે અકાળ મોતનું કારણ બની શકે છે. જ્યારે મોટા અવાજે ડીજે કે લાઉડસ્પીકર વાગતા હોય ત્યારે નજીકમાં હાજર વૃદ્ધો, ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે નાના બાળકોના હૃદય, કાન અને મગજ પર તેની ગંભીર અસરો પડતી હોય છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આવો અવાજ જોખમી સાબિત થાય છે, છતાં પણ લોકોમાં આ બાબતે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આપણે ઘણીવાર બેદરકાર બનીને એ ભૂલી જઈએ છીએ કે આપણી ક્ષણિક મજા કોઈના કાયમી દુઃખનું કારણ બની શકે છે. આ આઘાતજનક બનાવો પાછળ કોણ જવાબદાર છે તે એક મોટો પ્રશ્ન છે. શું આ માટે સરકારી તંત્ર જવાબદાર છે કે પછી આપણે પોતે જ એક બેજવાબદાર નાગરિક તરીકે આપણી ફરજો ચૂક્યા છીએ તે વિચારવું અનિવાર્ય બન્યું છે.
ભારત સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ધ્વનિ સ્તરના નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે. સરકારી ધારાધોરણ મુજબ રહેણાંક ક્ષેત્રોમાં દિવસના સમયે અવાજનું સ્તર 55 ડેસિબલ અને રાતના સમયે 45 ડેસિબલ સુધી જ હોવું જોઈએ. એ જ રીતે વ્યાવસાયિક ક્ષેત્રોમાં દિવસ દરમિયાન મહત્તમ 65 ડેસિબલ અને રાત્રે 55 ડેસિબલની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસના સમયે 75 ડેસિબલ અને રાત્રિના સમયે 70 ડેસિબલ સુધી અવાજની છૂટ આપવામાં આવી છે. જોકે ભારતમાં આ નિયમોનું પાલન ખૂબ જ ઓછું જોવા મળે છે અને વાસ્તવિક સ્થિતિ આ આંકડાઓ કરતા તદ્દન અલગ છે. ધ્વનિ પ્રદૂષણના કારણે ભારતમાં વાર્ષિક 12,000થી વધુ લોકોના મોત થાય છે, જેમાં શહેરી વિસ્તારના લોકો વધુ ભોગ બને છે. વિશ્વના ખ્યાતનામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાનું કહેવું હતું કે જો બ્રહ્માંડને સમજવું હોય તો તેને ઉર્જા, ફ્રીક્વન્સી અને કંપનથી સમજવું જોઈએ. પ્રકાશ, ધ્વનિ કે કોઈ પણ વસ્તુને સમજવા માટે તેની ફ્રીક્વન્સી સમજવી ખૂબ જ જરૂરી છે, જે ઓછી કે વધુ હોવાની સીધી અસર માનવ શરીર પર થાય છે.
ઘોંઘાટના આ વધતા જોખમો સામે કડક કાયદાકીય અમલવારી અને સામાજિક જાગૃતિ બંનેની જરૂર છે. મર્યાદા બહારનો અવાજ જ્યારે સીધો હૃદયના ધબકારા સાથે ચેડાં કરે છે ત્યારે તે માનવ શરીરની સહનશક્તિની બહાર નીકળી જાય છે. લગ્ન મંડપમાં યુવાન વરરાજાનું મોત થવું એ માત્ર એક આકસ્મિક ઘટના નથી પરંતુ તે તીવ્ર અવાજની ઘાતકતાનો પુરાવો છે. જો આપણે હજુ પણ નહીં ચેતીએ તો આવા અનેક કોડભર્યા યુવાનો અને નિર્દોષ નાગરિકો આ ધ્વનિ પ્રદૂષણનો ભોગ બનતા રહેશે. સરકારી તંત્રએ કાગળ પરના કાયદાઓને જમીની સ્તરે કડકાઈથી લાગુ કરવા જોઈએ અને નાગરિકોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને બીજાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને હોસ્પિટલ, શાળા અને રહેણાંક વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. જો આપણે સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવા માંગતા હોઈએ તો આપણે ઘોંઘાટ મુક્ત વાતાવરણ તરફ આગળ વધવું જ પડશે, અન્યથા આ મૌન ઘાતક પ્રદૂષણ હજારો જીવો લેતું રહેશે. અવાજનું આ પ્રદૂષણ વધારવામાં મસ્જિદો ઉપરથી મોટા અવાજે પોકારવામાં આવતી ભાંગ અને મંદિરોમાં મધરાતે ચાલતા ડાયરાઓના અવાજો પણ જવાબદાર છે. ઈશ્વર કે અલ્લાહને વગર બોલે તમારા મનની વાત પણ સમજાય છે તેને બહુ મોટા અવાજે ભાંગ પાડીને જગાડવાની જરૂર નથી… તમારે તમારી ભાંગ ઈશ્વર સુધી પહોંચાડવી હોય તો મનમાં મનમાં બુલંદ અવાજે એવી રીતે બોલો કે તે ઉપરવાળો તો સાંભળે જ પણ તમારા ધર્મસ્થાનથી બાજુમાં રહેતા લોકોને ખલેલ ન પહોંચે. કોઈને ખલેલ ન પહોંચાડવી એ જ સાચો ધર્મ છે. જો ખલેલ પહોંચાડીને તમારો અવાજ ઉપરવાળા સુધી પહોંચાડવાનું તમારા ધર્મમાં લખ્યું હોય તો તે ધર્મ નથી અધર્મ છે. મારી આ વાત સાથે ઈશ્વર પોતે જ સહમત છે. મારે વાત થઈ ગઈ છે ઈશ્વર સાથે. એટલે આ વિચારના સંદર્ભે તમારો પોતાનો મત વ્યક્ત કરવો નહીં. પુરું…

(હા તમારા ઘરની આસપાસ તમને ન ગમતી હોય તેવી માંગો કે ડીજે ના અવાજો તમને પરેશાન કરતા હોય તો તમે પોલીસને ફોન જરૂર કરી શકો છો. પોલીસ જરૂર પગલાં લેશે. અને જો પોલીસ પગલા ન લે તો કોઈ પત્રકારને ફોન કરીને એના સમાચાર તમે જરૂર આપી શકો છો.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *