Headlines

BREAKING NEWS: હાથબના અગ્રણીના અવસાનથી ભાજપની જંગી બાઇક રેલી રદ; રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે જાળવ્યો સામાજિક મલાજો



રુડાભાઈ ગોહિલના નિધનથી શોકનું મોજું: દિવ્યેશ સોલંકીની ઉપસ્થિતિમાં હવે રેલીને બદલે માત્ર સાદગીપૂર્ણ બેઠકો યોજાશે


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં આજે એક મોટો અને સંવેદનશીલ ફેરફાર જોવા મળ્યો છે. આજે સવારે અમારા અહેવાલમાં જણાવ્યા મુજબ નવા રતનપર પંથકમાં જે જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી મોકૂફ (રદ) રાખવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હાથબના અગ્રણી રુડાભાઈ ગોહિલનું દુઃખદ અવસાન છે.


મૃત્યુનો મલાજો અને સામાજિક જવાબદારી


મળતી વિગતો મુજબ, સ્વ. રુડાભાઈ ગોહિલ એ હાથબ જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર રઘુભાઈ ગોહિલના પરિવારના મોભી સભ્ય હતા. એક તરફ ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ પરિવારમાં આવેલા આ આઘાતને ધ્યાનમાં રાખીને રઘુભાઈ ગોહિલ, જગદીશભાઈ બારૈયા અને રાજ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકીના બંગલેથી સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, શોકના આ સમયે જંગી રેલી કે શક્તિ પ્રદર્શન કરવું યોગ્ય નથી. ભાજપે રાજકીય દબદબા કરતા સામાજિક સંવેદનાને પ્રાધાન્ય આપીને રેલી રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.


હવે કેવો રહેશે કાર્યક્રમ?


રેલી રદ થવા છતાં, મતદારો સાથેનો સંપર્ક જાળવી રાખવા માટે કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે:



  • નવા રતનપર: અહીં બારૈયા પરિવારના મઢે દિવ્યેશ સોલંકી, રઘુભાઈ ગોહિલ અને જગદીશભાઈ બારૈયા માત્ર અગ્રણીઓ સાથે ટૂંકી મુલાકાત કરશે.

  • રામપર ગામ: ગામના મુખ્ય ચોકમાં બારૈયાના મઢ પાસે એક સાદગીપૂર્ણ મીટિંગ યોજાશે, જેમાં દિવ્યેશ સોલંકી અને જગદીશ બારૈયા ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે.

  • ડોર-ટુ-ડોર સંપર્ક: કોઈ પણ પ્રકારના શોરબકોર કે વાહનોના મોટા કાફલા વગર, ભાજપના નેતાઓ અત્યંત સાદગીથી ઘરે-ઘરે જઈને લોકોની મુલાકાત લેશે.


જનતામાં ઉમટી પ્રશંસા

: ભાજપના નિર્ણયને સરાહનીય ગણતા લોકો

ચૂંટણીના અંતિમ દિવસોમાં જ્યારે દરેક પક્ષ પોતાની પૂરી તાકાત બતાવવા મથતો હોય, ત્યારે એક કાર્યકર કે અગ્રણીના મૃત્યુનો આ રીતે મલાજો જાળવીને જંગી રેલી રદ કરવી એ બાબતને નવારતનપર અને હાથબ પંથકની જનતા બિરદાવી રહી છે. લોકો આ પગલાને ભાજપની ‘સામાજિક જવાબદારી’ અને ‘સંસ્કારિતા’ ગણાવી રહ્યા છે.


​ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, “અમારા માટે પદ અને સત્તા કરતા સંબંધો અને સામાજિક મૂલ્યો સર્વોપરી છે. રુડાભાઈના અવસાનથી અમે શોકમગ્ન છીએ અને તેથી જ તમામ ભવ્ય કાર્યક્રમો પડતા મૂકવામાં આવ્યા છે.”


ખાસ નોંધ: આજે સવારે પ્રસિદ્ધ થયેલા બાઇક રેલીના સમાચારને આથી સુધારેલા ગણવા અને રેલી મોકૂફ રહી હોવાની નોંધ લેવી.


ધ ગ્રેટ વર્લ્ડ ટીમ, ભાવનગર



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *