Headlines

ભાવનગરમાં બાળકોમાં ન્યુમોનિયાની આધુનિક સારવાર અંગે ‘પેસ’ મોડ્યુલ હેઠળ તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો


વિશ્વભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ માટે જવાબદાર ન્યુમોનિયાને નાથવા ભાવનગર, અમરેલી અને બોટાદના 45થી વધુ તબીબોએ માર્ગદર્શન મેળવ્યું

​બાળકોમાં થતો ન્યુમોનિયા વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે આશરે 7 લાખ બાળકો આ રોગને કારણે જીવ ગુમાવે છે, જેમાં ભારતનો હિસ્સો અત્યંત નોંધપાત્ર છે. આ ગંભીર પરંતુ સમયસરની સારવારથી મટી શકતા રોગ અંગે તબીબોમાં જાગૃતિ લાવવા અને આધુનિક ચિકિત્સા પદ્ધતિઓથી માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે ભાવનગર ખાતે એકેડેમી ઓફ પિડીયાટ્રિક્સ દ્વારા ‘પેસ’ (Pneumonia Assessment, Care, Education) મોડ્યુલ અંતર્ગત કન્ટિન્યુઈંગ મેડિકલ એજ્યુકેશન (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદ જિલ્લાના 45થી વધુ નિષ્ણાંત બાળરોગ તબીબોએ હાજર રહી ન્યુમોનિયાની સારવાર અંગે ગહન તાલીમ મેળવી હતી. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા આ શૈક્ષણિક કાર્યક્રમને બે ક્રેડિટ પોઈન્ટ પણ ફાળવવામાં આવ્યા હતા.

​ન્યુમોનિયા એ ફેફસામાં થતો ગંભીર ચેપ છે, જેમાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસની ગતિ વધી જવી, પાંસળીઓ અથવા છાતી અંદર ખેંચાવી અને તીવ્ર તાવ જેવા લક્ષણો જોવા મળે છે. આ તાલીમ કાર્યક્રમમાં સેન્ટ્રલ ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રિક્સ (CIAP) તરફથી ખાસ આમંત્રિત તજજ્ઞો તરીકે અંજલિકા મહેતા (અમદાવાદ), દિવ્યાંગ પટેલ (મહેસાણા) અને શિશિર કાનક્રેય (પુણે) ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત તબીબોને ન્યુમોનિયાના સચોટ નિદાન અને ઝડપી સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રતિનિધિ તરીકે ભાવનગરના જાણીતા તબીબ મનસુખ આર કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક આયોજન બદલ રાષ્ટ્રીય પ્રમુખ નીલમ મોહન, ગુજરાત એકેડેમીના પ્રમુખ ઝંખના સંઘવી, સેક્રેટરી નેહલ પટેલ સહિતના રાષ્ટ્રીય અને પ્રાદેશિક હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

​ભાવનગર ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રિક્સના પ્રમુખ ડો.‌મેહુલ મનસુખપરી ગોસાઈના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવામાં હરદેવસિંહ મોરી, હિનલ ગુજરાતી, આરાધનાબા ગોહિલ, ભૂષિત ગઢિયા અને ડિમ્પલ શ્રીધરાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. તબીબોએ આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યુમોનિયા સંપૂર્ણપણે રોકી શકાય તેવો રોગ છે. જો વાલીઓ બાળકમાં ઝડપી શ્વાસ કે ખાવામાં તકલીફ જેવા પ્રાથમિક લક્ષણો ઓળખી લે અને તુરંત જ તબીબી સંપર્ક કરે, તો બાળકનો જીવ ચોક્કસ બચાવી શકાય છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે કાર્યરત આધુનિક એનઆઈસીયુ અને પીઆઈસીયુ સુવિધાઓ હાલમાં આ પ્રકારના જટિલ કેસોમાં બાળમૃત્યુદર ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. અંતમાં, સમયસરની ઓળખ, યોગ્ય સારવાર અને રસીકરણ દ્વારા ન્યુમોનિયા સામે જીત મેળવવાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

  • ડૉ. મેહુલ એમ. ગોસાઈ
    પ્રોફેસર અને વડા, બાળરોગ વિભાગ
    સર ટી. જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *