Headlines

​પોરબંદરમાં રૂ. ૬૮.૫૧ લાખની ખનિજ ચોરીના કેસમાં પુરાવાઓના અભાવે આરોપીનો નિર્દોષ છૂટકારો


ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર
પોરબંદર પંથકમાં ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોવાને કારણે ખાણ ખનિજ વિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં, ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન પોરબંદર તાલુકાના રાતડી ગામે થયેલી અંદાજિત રૂ. ૬૮,૫૧,૭૮૮/- ની ખનિજ ચોરીના કેસમાં સ્થાનિક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ શ્રી શર્મા સાહેબે આ કેસના આરોપી સવદાસ રાજાભાઈ ખુંટીને પુરાવાઓના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
​આ કેસની વિગત એવી છે કે, ખાણ ખનિજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર શ્રી કે. વાય. ઉડકટ દ્વારા એવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે ૧૭/૦૮/૨૦૨૩ ની રાત્રિ દરમિયાન રાતડી ગામે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. જે અન્વયે ટેલિફોનિક સૂચના મુજબ ૧૮/૦૮/૨૦૨૩ ના રોજ અહેવાલ તૈયાર કરી ખાણ ખનિજ કચેરીમાં રજૂ કરાયો હતો. આ અહેવાલ મુજબ ઘટના સ્થળેથી ૧,૦૦૦ (એક હજાર) જેટલા પથ્થરોનું કટિંગ થયેલું હોવાનું, ૨ ચકરડી અને ૩ પથ્થર કટિંગ મશીન મળી આવ્યા હતા. આ વિગતોના આધારે પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી વિરુદ્ધ ખનિજ અધિનિયમ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
​જોકે, કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ખાણ ખનિજ વિભાગ એવા કોઈ સચોટ પુરાવા રજૂ કરી શક્યું નથી જેનાથી સાબિત થાય કે પકડાયેલા મશીનો આરોપીની માલિકીના હતા અથવા જે જમીન પર ખનન થતું હતું તે આરોપીના કબજામાં હતી. વધુમાં, તપાસ દરમિયાન આરોપી ઘટના સ્થળે હાજર મળી આવ્યા હોય તેવા પણ કોઈ પુરાવા નહોતા. કાયદાના સ્થાપિત સિદ્ધાંત મુજબ જ્યારે ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિશંકપણે પુરવાર ન કરી શકે ત્યારે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવો જોઈએ. આ કાયદાકીય જોગવાઈને ધ્યાને રાખી કોર્ટે આરોપીને મુક્ત કર્યો છે. આ કેસમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી. લાખાણી સહિતની વકીલોની મોટી ટીમ રોકાયેલી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *