Headlines

અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગીની વિશ્વ કલ્યાણ માટેની અનોખી દંડવત યાત્રા દ્વારકાધીશ સુધી પૂર્ણ


હજારો કિલોમીટર પાર કરીને શ્રદ્ધા અને સંકલ્પનો વિરલ ઉદાહરણ

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા

       અયોધ્યાના વૈષ્ણવ રામનંદાચાર્ય સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત સતનારાયણદાસ ત્યાગીએ વિશ્વના કલ્યાણ માટે વર્ષ 2017 થી આરંભેલી તેમની અનોખી દંડવત યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ કર્યો છે. દેશભરના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરતા તેઓ આજે દ્વારકાધીશના ચરણોમાં આવ્યા હતા.

     અયોધ્યાના બલીરામ છાવણી (છોટી છાવણી) સાથે સંકળાયેલા સંત સતનારાયણદાસ ત્યાગીએ તેમની યાત્રા દરમિયાન કાશી, મથુરા, વૃંદાવન, પ્રયાગરાજ, ચિત્રકૂટ, મૈયર તથા ડાકોર જેવા પવિત્ર ધામોની દંડવત યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ કઠિન અને શ્રદ્ધાભરેલી યાત્રા દરમ્યાન તેઓએ હજારો કિલોમીટરના અંતરને દંડવત પ્રણામ સાથે પાર કર્યું છે, જે તેમની અડગ ભક્તિ અને સંકલ્પનું અનોખું પ્રતિબિંબ છે.

         દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચીને તેમણે ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મિણીજી સમક્ષ સમગ્ર વિશ્વના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના અર્પી હતી. તેમની આ દીર્ઘ યાત્રા દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં સ્થાનીક ભક્તો અને સેવાભાવી લોકો દ્વારા તેમને ઉત્સાહજનક સહયોગ અને સન્માન મળ્યું હતું.

        આગામી સમયમાં સંત સતનારાયણદાસ ત્યાગી નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ સહિત દેશના પાંચ જ્યોતિર્લિંગોની દંડવત યાત્રા પૂર્ણ કરવાની સંકલ્પબદ્ધ યોજના ધરાવે છે. તેમની આ યાત્રા સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને વિશ્વ કલ્યાણ માટેની પ્રેરણા પૂરું પાડે છે.

_____________________________________________________________________________

( કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *