હર્ષ રાવલ, ભાવનગર
ભાવનગરના રમતગમત ઇતિહાસમાં એક નવું સોપાન ઉમેરાયું છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ વખત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય રમતને જોવા માટે ભાવનગરના રમતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું. સામાન્ય રીતે મોટા મેટ્રો શહેરોમાં જોવા મળતી આ રમત હવે ગોહિલવાડની ધરતી પર પણ ધૂમ મચાવી રહી છે.
આ ટૂર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નામી અને કુશળ ફાઈટરોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. રિંગની અંદર ખેલાડીઓની સ્ફૂર્તિ, પંચ, કિક અને ગ્રેપલિંગના દાવપેચ જોઈને પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. આ સ્પર્ધામાં આધુનિક માર્શલ આર્ટ્સના તમામ પાસાઓનો સંગમ જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે આ આયોજનમાં સ્ત્રી-પુરુષ સમાનતાના દર્શન પણ થયા હતા. ટૂર્નામેન્ટમાં બોયઝ અને ગર્લ્સ એમ બંને કેટેગરીમાં અલગ-અલગ ફાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા ફાઈટરોએ પોતાની ક્ષમતા બતાવી સાબિત કરી દીધું હતું કે તેઓ પણ આ પ્રકારની શારીરિક અને માનસિક ક્ષમતા માંગી લેતી રમત માટે સક્ષમ છે. મેદાનમાં ઉતરેલી દીકરીઓના પાવરફુલ પંચે સૌની વાહવાહી મેળવી હતી.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિજેતા બનેલા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર, ભાવનગરમાં આવા આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક યુવા પ્રતિભાઓને માર્શલ આર્ટ્સ ક્ષેત્રે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પ્રકારની સ્પર્ધાઓથી યુવાનોમાં સેલ્ફ-ડિફેન્સ (આત્મરક્ષણ) પ્રત્યે જાગૃતિ આવશે અને તેઓ ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરી શકશે. રમતગમતના નિષ્ણાંતો માને છે કે ભાવનગરમાં થયેલું આ પ્રથમ સફળ આયોજન આગામી સમયમાં MMA જેવી રમતો માટે નવા દ્વાર ખોલશે.
