Headlines

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઉદ્યોગનગર ગુજસીટોક ગુનાના ચાર ખતરનાક આરોપીઓની ધરપકડ



મયુર ઉર્ફે મયલો ઓડેદરાની ગેંગના સભ્યો કાળા કલરની લક્ઝરી કારમાં વનાણા ટોલનાકા પાસેથી ઝડપાયા


​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) એકટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ કાર્યરત એલસીબીની ટીમે આ સફળતા મેળવી છે. આ ગેંગ છેલ્લા દસ વર્ષથી ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરત શહેર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં સતત ગંભીર ગુનાઓ આચરીને આતંક મચાવી રહી હતી. પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે મયલો ૩૭ હરદાસભાઇ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજનભાઇ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામભાઇ કુછડીયા અને રવી કીસાભાઈ મુછાળનો સમાવેશ થાય છે.
​આ સમગ્ર કાર્યવાહીની વિગત મુજબ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા દ્વારા સરકાર તરફથી આ ગેંગ વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે મયુર ઉર્ફે મયલો હરદાસભાઇ ઓડેદરાની આગેવાની હેઠળ આ સંગઠિત ગુનાહિત ટોળકી એકબીજાના સંકલનમાં રહીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી હતી. આ ટોળકીનો મુખ્ય હેતુ હિંસાત્મક કૃત્યો કરી લોકોમાં ભય અને દહેશત ફેલાવી પોતાનું પ્રભુત્વ જમાવવાનો અને આર્થિક લાભ મેળવવાનો હતો. આ ગેંગના સભ્યો પર ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, મહાવ્યથા, મિલકતને નુકસાન, હથિયાર કાયદાનો ભંગ, અપહરણ અને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ જેવા અનેક ગંભીર કેસો નોંધાયેલા છે.
​આરોપીઓને પકડવા માટે એલસીબીની બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન રણજીતસિંહ દયાતર, લક્ષ્મણભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર અને નટવરભાઇ ઓડેદરાને સચોટ બાતમી મળી હતી કે આરોપીઓ કાળા કલરની એન્ડેવર કારમાં રાજકોટ-પોરબંદર હાઇવે પર વનાણા ટોલનાકા પાસેથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને અટકાવી તેમાંથી ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. પકડાયેલ આરોપી મયુર હરદાસભાઇ ઓડેદરા આશાપુરા ચોક મારુતિ સોસાયટીનો રહેવાસી છે, જ્યારે વિશાલ નાગાજનભાઇ ગોરાણીયા આશાપુરા યામાહા શો રૂમ પાસેની ગલીમાં રહે છે. અન્ય આરોપી માલદે રામભાઇ કુછડીયા શિવમ સોસાયટી અને રવી કીસાભાઈ મુછાળ રબારી સમાજ પાસે રહે છે.
​આ ઓપરેશનમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા સાથે એએસઆઈ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, ઉદયભાઇ વરૂ, મુકેશભાઇ માવદીયા અને હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ જોડાયા હતા. તેમજ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા રોહિતભાઇ વસાવાએ પણ મહત્વની કામગીરી કરી હતી. પકડાયેલા ચારેય આરોપીઓ અને વાહનને આગળની તપાસ માટે રાણાવાવ નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવ્યા છે. પોરબંદર પોલીસની આ કડક કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *