Headlines

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવાના કાયદાના સરળીકરણ માટે પોરબંદરમાં એડવોકેટ રાજેશ લાખાણી દ્વારા રજૂઆત


​નગરપાલિકા દ્વારા અગાઉ મંજૂરી અપાયેલ બાલ્કની મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા કમિશનરને પત્ર લખાયો

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર


​પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અમલી બનેલા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨-૨૦૨૩ના અસરકારક અને સરળ અમલીકરણ માટે પોરબંદરના એડવોકેટ રાજેશ એમ લાખાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે શહેરમાં પ્રવર્તમાન વ્યાપક વિકાસ નિયંત્રણ નિયમાવલી મુજબ જે બાંધકામો સુસંગત નથી અથવા મંજૂરી વગરના છે તેમને નિયમિત કરી નાગરિકોના હિત જાળવવા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જોકે ટેકનિકલ કારણોસર અને જટિલ પ્રક્રિયાના લીધે હજુ પણ ઘણા અરજદારોની અરજીઓનો નિકાલ બાકી છે, જેના કારણે મિલકત ધારકો મૂંઝવણમાં મુકાયા છે.
​આ કાયદાની જોગવાઈઓ મુજબ ૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા પૂર્ણ થયેલા બાંધકામોમાં માર્જિન, સેટબેક, બિલ્ટઅપ એરિયા, બિલ્ડિંગ હાઈટ અને પાર્કિંગ જેવી સમસ્યાઓ માટે ઈમ્પેક્ટ ફી ભરીને તેને રેગ્યુલર કરવાનો હેતુ છે. રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત એક માળનું લોડબેરિંગ બાંધકામ હોય તેવા કિસ્સામાં એક્સપર્ટ કમિટીની જરૂરિયાત ન હોવી જોઈએ. આ પ્રક્રિયા દ્વારા વસૂલવામાં આવતી ફીમાંથી શહેરનું માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી શકાય અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ વધારી શકાય તેમ છે. પોરબંદરમાં અગાઉ ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા નિર્ધારિત ચાર્જ વસૂલીને બાંધકામ પરવાનગીઓ આપવામાં આવી હતી, છતાં હાલમાં બાલ્કની જેવા બાંધકામોના નિયમનમાં વહીવટી અવરોધો જોવા મળી રહ્યા છે.
​હાલની સ્થિતિએ જ્યારે કોઈ અરજદાર પોતાની મિલકત નિયમિત કરાવવા ઈચ્છે છે ત્યારે સબંધિત અધિકારીઓ અને એન્જિનિયરો દ્વારા વર્ષો જૂની બાલ્કનીઓ હટાવવાની શરત રાખવામાં આવે છે. રાજેશ એમ લાખાણીએ રજૂઆત કરી છે કે દસ-વીસ વર્ષ પહેલા બનેલા મકાનોમાં જો બાલ્કની હટાવવામાં આવે તો મકાનની મજબૂતી અને માળખાકીય સ્થિરતાને નુકસાન થઈ શકે છે. જ્યારે અગાઉ નગરપાલિકા દ્વારા આ જ બાલ્કનીઓ માટે ચાર્જ વસૂલીને પરવાનગી અપાઈ હતી, ત્યારે હવે તેને હટાવવાનો આગ્રહ રાખવાને બદલે નિયમોમાં ફેરવિચારણા થવી જરૂરી છે. આ બાબતે યોગ્ય માર્ગદર્શન અને સુચારુ વ્યવસ્થા ઉભી થાય તો જ સામાન્ય શહેરીજનોને કાયદાનો લાભ મળી શકશે.
​આ રજૂઆતની નકલ યોગ્ય કાર્યવાહી અર્થે ગાંધીનગર ખાતેના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સચિવાલય તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાને પણ મોકલવામાં આવી છે. એડવોકેટ આકાશ આર લાખાણી દ્વારા પણ આ કાયદાકીય પ્રક્રિયાના સરળીકરણમાં સહયોગ આપવામાં આવ્યો છે. રજૂઆતમાં અંતે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે વહીવટી તંત્ર નિર્ધારિત સમયમર્યાદામાં મિલકત ધારકોના પ્રશ્નો ઉકેલે, જેથી સરકારની આવક પણ સુનિશ્ચિત થાય અને નાગરિકોને પોતાની મિલકતના કાયદેસર દસ્તાવેજો મળી શકે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *